ભારતનો કુસ્તીબાજ બજરંગ પૂનિયા નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ નહીં આપવાના કારણે નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)એ તેને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે. પૂનિયાએ સોનીપતમાં યોજાયેલા નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ નહીં આપતાં તેની સામે આ પગલું લેવાયું છે.
બજરંગ પૂનિયાએ પ્રતિક્રિયા આપતા કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપી હતી. પૂનિયાએ કહ્યું હતું કે, ‘મેં ક્યારેય નાડાના અધિકારીઓને સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો નથી. મેં તેમને વિનંતી કરી હતી કે, તેઓ પહેલા મને એ વાતનો જવાબ આપે કે, તેમણે સેમ્પલ લેવા માટે મને એક્સપાયર્ડ ડેટની કિટ મોકલાઈ હતી, તે દિશામાં તમે શું કાર્યવાહી કરી? પહેલા તેનો જવાબ આપો, પછી મારો ડોપ ટેસ્ટ લેજો. આ પત્રનો જવાબ સમય આવે ત્યારે મારા વકીલ વિદુષ સિંઘાનિયા આપશે.’