(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મળીને આ ધ્યાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ સેન્ટરમાં એક સમયે 20,000 લોકો ધ્યાન કરી શકે છે. મહામંદિરની દિવાલો પર સ્વર્વેદના શ્લોકો કોતરવામાં આવ્યા છે. તે એક સાત માળનું સુપરસ્ટ્રક્ચર છે.

આ મંદિરનું નિર્માણ વિહંગમ યોગ સંસ્થાના સ્થાપક સંત સદાફલ મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટનની સાથે મોદીએ સંત સદાફલ મહારાજની 135 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ પણ કર્યો હતો.

સંત સદાફલ મહારાજના વિશ્વના ડઝનબંધ દેશોમાં આશ્રમો છે. વારાણસીમાં આ આશ્રમ સૌથી મોટો છે. આ આશ્રમના નિર્માણની યોજના પર લગભગ 20 વર્ષથી કામ ચાલી રહ્યું છે. માર્બલથી બનેલા આ મંદિરની ખાસિયતની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ મંદિર 64 હજાર ચોરસ ફૂટમાં બનેલું છે. તેની ઉંચાઈ 180 ફૂટ છે.

મંદિરનું નિર્માણ વર્ષ 2004માં શરૂ થયું હતું. આ મંદિરને છેલ્લા 19 વર્ષમાં આકાર આપવામાં આવ્યો હતો. આ મંદિર 200 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરની દીવાલો પર સ્વર્વેદના 4000 શ્લોકો અંકિત છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં ભગવાનની પૂજા નથી થતી પરંતુ યોગ અને સાધનાની પૂજા થાય છે.

મહામંદિર ધામના મીડિયા ઈન્ચાર્જ ઈન્દુ પ્રકાશે જણાવ્યું કે સ્વર્વેદ બે શબ્દોથી બનેલો છે. સ્વ અને વેદ. સ્વ એટલે આત્મા અને ભગવાન. વેદ એટલે જ્ઞાન. જે માધ્યમ દ્વારા આત્મા અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે તે સ્વર્વેદ છે.

 

LEAVE A REPLY