અમદાવાદ જિલ્લાના પૂરાતન સ્થળ લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.
ભારત સરકારના પોર્ટ અને શિપિંગ પ્રધાન સર્વાનંદ સોનોવાલે લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સાઇટની તાજેતરમાં મુલાકાત લઇને તેની સમીક્ષા કરી હતી. આ અંગે સોનોવાલે જણાવ્યું હતું કે, એક સમયના આ વિખ્યાત બંદરના અમૂલ્ય વારસાને ફરી એક વખત સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવાશે. દુનિયાનું સૌથી મોટું મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં તૈયાર થવાનું છે. 35 એકરમાં વિસ્તરેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કામગીરી આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે. કુલ ચાર હજાર કરોડના આ પ્રોજેક્ટ થકીનો લાભ લોથલની આસપાસનાં લોકોને મળશે. આ કોમ્પ્લેક્ષને કારણે ટૂરિઝમનો વિકાસ થશે અને રોજગારીની અનેક નવી તકો સર્જાશે. આપણી સભ્યતાની તાકાત આખી દુનિયા જોઈ શકશે. અહીં મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ પણ બનવાની છે, જેમાં દુનિયાભરના લોકો બંદર અને વહાણવટા અંગે શીખવા માટે આવશે.