ભારત સરકારે રૂ.1 લાખ કરોડની વિશ્વની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમને બુધવારે મંજૂરી આપી હતી. આ સ્કીમ હેઠળ સરકાર સહકારી ક્ષેત્રમાં અનાજ સ્ટોરેજ ક્ષમતામાં 700 લાખ ટનનો જંગી વધારો કરશે. કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી મોદી સકારે આ નિર્ણય લીધો છે.
મંગળવારે (30 મે), કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકાર સહકારી મંડળી ક્ષેત્ર હેઠળ વિશ્વની સૌથી મોટી ખાદ્ય અનાજ સંગ્રહ યોજના માટે એક નીતિ લાવશે.
આગામી પાંચ વર્ષમાં અનાજ સ્ટોરેજ ક્ષમતા વધી ૨૧૫૦ લાખ ટન થઇ જશે. દરેક બ્લોકમાં ૨૦૦૦ ટન ક્ષમતા ધરાવતા ગોદામ તૈયાર કરાશે. એક માહિતી મુજબ ભારત વિશ્વમાં સૌથી મોટો અનાજ ઉત્પાદક દેશ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન, અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને આર્જન્ટિના પાસે પોતાના વાર્ષિક અનાજ ઉત્પાદન કરતા પણ વધારે અનાજનો સંગ્રહ કરવાની ક્ષમતા છે.
ભારતની હાલની અનાજ સ્ટોરેજ ક્ષમતા ૪૭ ટકા જ છે. તેનાથી અનાજનો ખૂબ બગાડ થાય છે અને ખેડૂતોએ સસ્તા ભાવે વેચી દેવી પડે છે. ભારતમાં વાર્ષિક ૩૧૦૦ લાખ ટન ખાધ અનાજ ઉત્પાદન થાય છે.