ભારતના માઇગ્રન્ટ વર્કર્સ પોતાના વતનમાં 2022માં 100 બિલિયન ડોલરના વિક્રમજનક નાણા મોકલવાના ટ્રેક પર છે. તેનાથી હાલના કપરા સમયમાં એશિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી ઇકોનોમીને નાણાકીય સ્થિતિને વેગ મળશે અને ભારત રિમેટન્સનો વિશ્વમાં સૌથી મોટો લાભાર્થી દેશ તરીકેનો દરજ્જો જાળવી રાખશે. 100 બિલિયનો આંક પાર કર્યો હોય તેવો ભારત વિશ્વનો પ્રથમ દેશ બનશે.
બુધવારે જારે થયેલા વિશ્વ બેંકના અહેવાલ મુજબ ભારતમાં રેમિટન્સનો પ્રવાહ આ વર્ષે 12% વધી $100 બિલિયન સુધી પહોંચશે. આ નાણાપ્રવાહ મેક્સિકો, ચીન અને ફિલિપાઇન્સ સહિતના દેશો કરતા ઘણો વધારે છે. યુએસ, યુકે અને સિંગાપોર જેવા શ્રીમંત રાષ્ટ્રોમાં રહેતા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ભારતીય માઇગ્રન્ટ વધુ પૈસા વતનમાં મોકલી રહ્યા હતા.
છેલ્લાં વર્ષોથી ભારતીયો ગલ્ફ જેવા સ્થળોએ ઓછા પગારે કામ કરવાથી દૂર જતા રહ્યા છે. વેતનવધારો, રેકોર્ડ-ઊંચી રોજગારી અને નબળો પડતા રૂપિયાએ પણ વૃદ્ધિને વેગ આપ્યો હતો.
વિશ્વના સૌથી મોટા ડાયસ્પોરામાંથી આવતો નાણાપ્રવાહો ભારત માટે રોકડનો મુખ્ય સ્ત્રોત છે. ભારતના ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વમાં છેલ્લાં એક વર્ષમાં $100 બિલિયનના ઘટાડા વચ્ચે આ રેમિડન્ટનું ભારત માટે વિશેષ મહત્ત્વ છે. આ રેમિટન્સ ભારતની જીડીપના આશરે 3 ટકા થાય છે અને રાજકોષીય ખાધ ભરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેટાને ટાંકીને વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે ઉચી આવક ધરાવતા દેશોમાંથી ઇન્ડિયન માઇગ્રેન્ટ દ્વારા ભારતમાં રોકડ ટ્રાન્સફરમાં 2020-21માં 36%નો જંગી વધારો થયો હતો, જે 2016-17માં 26% વધ્યું હતું. કુલ રેમિટન્સમાં સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમીરાત સહિત પાંચ ગલ્ફ દેશોનો હિસ્સો આ સમયગાળામાં 54% થી ઘટીને 28% થયો હતો
સમગ્ર દક્ષિણ એશિયામાં આવો ટ્રેન્ડ નથી. આ વર્ષે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકાના માઇગ્રન્ટ વર્કર્સના કમાયેલા રેમિટન્સમાં ઘટાડો થવાની ધારણા છે, કારણ કે વિદેશી અને ઘરેલુ આંચકાથી આ દેશોને ફટકો પડ્યો છે.