વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 99 વર્ષની વયે ગુજરાતમાં અવસાન થતાં વિશ્વના અનેક નેતાઓએ શુક્રવારે શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા, ઇઝરાયેલના નવા ચૂંટાયેલા વડાપ્રધાન બેન્જામિન બેન્જામિન નેતન્યાહુ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ, શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે તથા નેપાળ અને ભૂતાનના વડાં સહિતના વૈશ્વિક નેતાઓએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને મોદીને શોકસંદેશ મોકલ્યો હતો.
કિશિદાએ ટ્વીટ કર્યું હતું કે “PM મોદી હું તમારી પ્રિય માતાના નિધન બદલ મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું માંગુ છું. તેમના આત્માને શાંતિ મળે.” ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ તેમના મિત્ર વડાપ્રધાન મોદીને પોતાનો શોક સંદેશ ટ્વીટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે મારા પ્રિય મિત્ર, કૃપા કરીને તમારી પ્રિય માતાના અવસાન પર મારી ઊંડી સંવેદના સ્વીકારો.
પોતાની સંવેદના વ્યક્ત કરતા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “માતાના નિધનથી મોટી કોઈ ખોટ નથી. વડા પ્રધાન પ્રત્યે મારી સંવેદના છે.” હીરાબેનને ગૌરવપૂર્ણ માતા તરીકે વર્ણવતા શેખ હસિનાએ કહ્યું કે “માતા, પ્રેરક અને માર્ગદર્શક તરીકે તમારા જીવનના દરેક પાસામાં તેમની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હતી.