વૈશ્વિક મહામારી કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 402,044,502ને પાર થઇ ગઇ છે અને તેના કારણે કુલ મૃત્યુઆંક 57,70,023 થયો હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તાજેતરમાં જણાવ્યું હતું. કોરોના મહામારીની સૌથી વધારે અસર અમેરિકામાં થઇ છે. જ્યાં કોરોનાના સૌથી વધારે 76.44 મિલિયન કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,02,000 નોંધાયો છે.
કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં 42.47 મિલિયન નોંધાયા છે અને 5,06,520 જણાના મોત થયા છે. જ્યારે બ્રાઝિલમાં કોરોનાના કેસોની સંખ્યા 26.77 મિલિયન અને મરણાંક 6,33,810 નોંધાયો છે. આ ત્રણ દેશોમાં જ કુલ કેસોના36 ટકા કેસો અને 35 ટકા મરણાંક નોંધાયો હતો.
ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર યુરોપમાં કોરોનાના 160 મિલિયન કેસો અને 18 લાખ કરતાં વધારે મોત નોંધાયા છે તો યુએસમાં કોરોનાના 141 મિલિયન કેસો અને 25.5 લાખ કરતાં વધારે મોત નોંધાયા છે. યુરોપ અને અમેરિકામાં કોરોનાના કુલ કેસોમાંથી 75 ટકા અને મરણના 75.5 ટકા મોત નોંધાયા છે.
રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 13,53,000 કરતાં વધારે છે અને કુલ મરણાંક 3,38,111 થયો હતો. રશિયામાં કોરોનાના સૌથી વધારે 22,747 કેસ મોસ્કોમાં નોંધાયા છે.નવા કેસોમાં વીસ ટકા કેસો બાળકોના છે.
જોકે, વિશ્વમાં કોરોનાની રસી અડધી વસ્તીને જ મળી છે. દુનિયાની 54 ટકા વસ્તીએ કોરોનાની બંને રસીઓ મુકાવી છે. જ્યારે 62 ટકાને કોરોનાની રસીનો એક જ ડોઝ મળ્યો છે. ઓછી આવક ધરાવતા દેશોમાં માત્ર 11 ટકા લોકોને જ કોરોનાની રસીનો એક ડોઝ મળ્યો છે.
સંસ્થાના વડા ટેડરોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે દુનિયામાં કોરોનાની રસીના કુલ 9.4 અબજ ડોઝ આપવામાં આવ્યા છે. પણ 90 ટકા દેશોમાં વસ્તીના 40 ટકા લોકોને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક હાંસલ થયો નથી. જ્યારે 36 દેશોમાં 10 ટકા વસ્તીને પણ કોરોનાની રસી મેળી નથી. દરમ્યાન કોરોનાની રસીના બંને ડોઝ લેનારા પ્રવાસીઓને હવે કોઇ કોરોના ટેસ્ટ કરાવ્યા વિના યુકેમાં પ્રવેશી શકશે. લંડનના ગેટવિક એરપોર્ટના બીજા ટર્મિનલને આવતા મહિનાથી શરૂ કરાશે.