વિશ્વમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા સોમવારે 40 મિલિયનને વટાવી ગઈ હતી. યુરોપમાં શિયાળાના આગમનને પગલે આ વાઇરસના ફેલાવામાં પણ વધારો થયો છે, એમ રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે. ફ્રાન્સમાં મોટા શહેરોમાં કરફ્યુના અમલ માટે 12,000 પોલિસ ઓફિસર તૈનાત કરવામાં આવ્યા હતા.
કોરોના કેસોમાં વધારાને પગલે બેલ્જિયમે સોમવારથી રાત્રી કરફ્યુની જાહેરાત કરી હતી. બીજી તરફ સ્વિત્ઝર્લેન્ડે ઇન્ડોર જાહેર સ્થળોમાં પણ ફેસ માસ્ક ફરજિયાત બનાવ્યું છે. ઇટલીએ પણ નવા પગલાંની જાહેરાત કરી હતી. નિષ્ણાતો જણાવે છે કે કોરોના કેસ અને મૃત્યુ બંનેનો વાસ્તવિક આંકડો મોટો હોઈ શકે છે, કારણ કે કેટલાંક દેશો પૂરતા પ્રમાણમાં માહિતી જાહેર કરતા નથી.
યુરોપમાં અત્યાર સુધી કોરોનાથી આશરે 250,000 લોકોના મોત થયા છે. બેલ્જિયમમાં કાફે અને રેસ્ટાંરો ચાર સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યા છે. છેલ્લાં એક સપ્તાહમાં યુરોપમાં નવા કેસોમાં 44 ટકાનો વધારો થયો છે. ઇટલીએ પણ રવિવારે નવા કોવિડ-19ના નવા નિયંત્રણો જાહેર કર્યા હતા. ઇટલીના વડાપ્રધાને રાત્રી નવ વાગ્યાથી પબ્લિક સ્કેર બંધ કરાવવાની મેયરને સત્તા આપી છે. તેમણે કોરોના કેસ પર અંકુશ લાવવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી હતી. ઇટલીમાં રવિવારે 11,705 નવા કેસ નોંધાયા હતા, જે વિક્રમજનક છે.
