વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 48.91 લાખ કેસ નોંધાયા છે, 3.20 લાખ લોકોના મોત થયા છે. 19 લાખ 7 હજાર 422 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં દર્દીઓની સંખ્યા બ્રિટન કરતા વધી ગઈ છે. હવે અમેરિકા, રશિયા, સ્પેન પછી બ્રાઝીલ સંક્રમણની બાબતમાં ચોથા નંબરે આવી ગયો છે. અહીં અત્યાર સુધીમાં 2.55 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી એલેક્સ અજારે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મહામારી પહેલા ચેતવણી આપવામાં નિષ્ફળ રહી છે.જેના લીધે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેયેસિયસનું કહેવું છે કે તેમણે મહામારીને લઈને એકવાર નહીં પરંતુ અનેકવાર ચેતવણી આપી છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં 15.50 લાખ કેસ નોંધાયા છે. જેમાં 91 હજાર 981 લોકોના મોત થયા છે. અમેરિકાનું ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે. અહીં 3.51 લાખ કેસ નોંધાયા છે અને 28 હજાર 339 લોકોના મોત થયા છે. અમેરિકામાં એક દિવસમાં 759 લોકોના મોત થયા છે. રશિયા સંક્રમિત લોકોની બાબતમાં બીજા નંબરે આવી ગયું છે. જેમાં 2 લાખ 90 હજાર 678 કેસ નોંધાય છે અને 2722 લોકોના મોત થયા છે.
દક્ષિણ સુદાનના ઉપરાષ્ટ્રપતિ રીક માશર અને તેમની પત્ની એંજેલીના ટેનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એન્જેલિના દેશની રક્ષા મંત્રી છે. તેમના બોડીગાર્ડ અને સ્ટાફના અમુક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અહીં 236 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ચાર લોકોના મોત થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા વિશે હાલ કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે આજે મેં કોઈ નિવેદન ન આપવાનો નિર્ણય કર્યો છે.આગામી સમયમાં નિવેદન આપીશ. હું વિશ્વ આરોગ્ય સંસ્થાથી ખુશ નથી. હું વિશ્વ વેપાર સંગઠનથી પણ ખુશ નથી. તેમણે કહ્યું કે ડબલ્યુએચઓને અમેરિકા તરફથી આપવામાં આવતી 45 કરોડ ડોલરની રકમમાંથી ચાર કરોડ કરોડનો ઘટાડો કરાયો છે.