બ્રાઝીલમાં સંક્રમણના કેસ એક લાખને વટાવી ગયા છે. મરનારાઓની સંખ્યા 7025 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાકમાં 4588 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને 275 લોકોના મોત થયા છે. જ્યારે ચીનમાં મેની રજાઓ દરમિયાન 8.5 કરોડ લોકો ફરવા નીકળ્યા છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના જણાવ્યા મુજબ તેનાથી 37 હજાર કરોડ રૂપિયા(4.9 બિલિયન ડોલર)ની રેવન્યુ જનરેટ થઈ છે.
અમેરિકામાં 24 કલાકમાં 1450 લોકોના મોત થયા છે. તેની સાથે જ દેશમાં મરનારાઓની સંખ્યા 68 હજાર 598 થઈ ગઈ છે. જ્યારે 11 લાખ 88 હજાર 122 લોકો સંક્રમિત છે. દેશના સૌથી વધુ પ્રભાવિત ન્યુયોર્કમાં 24 હજાર 648 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લાખ 23 હજાર 883 સંક્રમિત છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફોક્સ ન્યુઝના ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે વર્ષના અંત સુધીમાં અમે વેક્સીન બનાવી લઈશું. આ દરમિયાન તેમણે વાઈરસને લઈને ડેમોક્રેટ્સની પ્રતિક્રિયાની નીંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ મુદ્દાનું રાજકારણ કરી રહ્યાં છે.
ઈટલીએ જાહેરાત કરી છે કે તે સોમવારથી કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપશે. અહીં સંક્રમણના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારે અંતિમ સંસ્કારમાં 15 લોકોને જવાની છૂટ આપી છે. અહીં અમેરિકા બાદ સૌથી વધુ 28 હજાર 884 લોકોના મોત થયા છે, જ્યારે બે લાખ 10 હજાર 717 લોકો સંક્રમિત છે.
ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય ડાયરેક્ટર ડો. એશલે બ્લૂમફીલ્ડના જણાવ્યા અનુસાર અહીં એક દિવસમાં કોઈ પણ નવો કેસ મળ્યો નથી. 25 માર્ચથી અહીં લોકડાઉન છે, ત્યારથી પ્રથમ વખત એવું બન્યું છે કે સંક્રમણનો કોઈ કેસ મળ્યો નથી. અહીં અત્યાર સુધીમાં 1487 કેસ મળ્યા છે. જ્યારે 20 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં અહીં 1276 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
આ પહેલા 16 માર્ચે અહીં એક પણ નવો કેસ મળ્યો ન હતો. ગત મંગળવારે દેશમાં લોકડાઉનનું લેવલ 4માંથી 3 કરવામાં આવ્યું. પીએમ જેસિંડા અર્ડનના જણાવ્યા મુજબ, હવે ચાર લાખ લોકો કામે જઈ રહ્યાં છે.
ઈઝરાયલમાં 15 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધી 16 હજાર 208 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રવિવારે બે લોકોના મોત થયા છે.
તેની સાથે જ દેશમાં અત્યાર સુધીમાં 232 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે દેશમાં વાઈરસના મામલામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે 30 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા અને બે લોકોના મોત થયા હતા. જર્મનીમાં 24 કલાકમાં 679 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. જે 12 માર્ચ બાદ સૌથી ઓછા છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 63 હજાર 175 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 6692 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે 1 લાખ 32 હજાર 700 દર્દીઓ સાજા થઈ ગયા છે.