વિશ્વ બેંકે ગુરુવારે શ્રીલંકા માટે $700 મિલિયનની અંદાજપત્રીય અને વેલ્ફેર સહાયને મંજૂરી આપી હતી. માર્ચમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ડીલ પછી કટોકટીગ્રસ્ત ટાપુ રાષ્ટ્ર માટે આ સૌથી મોટી સહાય છે. આશરે $500 મિલિયન ભંડોળ બજેટરી સહાય માટે ફાળવવામાં આવશે જ્યારે બાકીના $200 મિલિયન કટોકટીથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકોને સહાય માટે કરાશે.
વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ફારિસ હદાદ-ઝેર્વોસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “તબક્કાવાર અભિગમ દ્વારા, વિશ્વ બેંક પ્રારંભિક આર્થિક સ્થિતિમાં સ્થિરતા, માળખાકીય સુધારાઓ તથા ગરીબ અને નબળા લોકોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
શ્રીલંકા 1948માં બ્રિટનથી તેની સ્વતંત્રતા પછીની સૌથી ખરાબ નાણાકીય કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આઇએમએફએ માર્ચ મહિનામાં 3 બિલિયન ડોલરના બેઇલઆઉટ પેકેજને મંજૂરી આપી હતી. આ ઉપરાંત શ્રીલંકાને વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક અને બીજી બહુરાષ્ટ્રીય નાણા સંસ્થા પાસેથી 4 બિલિયન ડોલરના ભંડોળની આશા છે.