આર્થિક અને રાજકીય કટોકટીમાં ફસાયેલા શ્રીલંકાના અર્થતંત્રને મદદ કરવાની ખાતરી વર્લ્ડ બેન્કે આપી હોવાનું દેશના નાણાં પ્રધાન શેહાન સેમાસિંઘેએ જણાવ્યું હતું. વર્લ્ડ બેન્ક ગ્રૂપ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની વર્ષ ૨૦૨૩ની સ્પ્રિંગ મીટિંગ્સમાં સહભાગી થવા માટે વોશિંગ્ટન ગયેલા સેમાસિંઘેએ આ વાત જણાવી હતી. સોમવારે સેમાસિંઘે, શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કના ગવર્નર પી. નંદલાલ વીરાસિંઘે અને શ્રીલંકાના નાણાં મંત્રાલયના સચિવ કે.એમ. મહિન્દા સિરિવર્દના સાથે વર્લ્ડ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર (ઓપરેશન્સ) અન્ના જેર્દેને મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં પ્રધાન સેમાસિંઘેએ જણાવ્યું હતું કે, શ્રીલંકામાં સુધારાના કાર્યક્રમથી દેશનું અર્થતંત્ર કેમ સુધરશે, એ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. વર્લ્ડ બેન્કની સોશિયલ સેફ્ટી નેટ ઇન્ટરવેન્શન્સ, કેશ ટ્રાન્સફર પ્રોગ્રામ્સ અને ડેવલપમેન્ટ ઓફ ઇફેક્ટિવ ડિલિવરી સિસ્ટમ્સના નિષ્ણાતો-વિશેષજ્ઞોની ટીમ સાથે પણ ચર્ચા કરી હોવાનું સેમાસિંઘેએ જણાવ્યું હતું. તેમણે આર્થિક સુધારા બાબતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ સાથે પણ ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું.