આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને વિશ્વ બેંકે તમામ ટેક્સ રાહતોને બંધ કરીને કૃષિ, રિટેલ અને રીયલ એસ્ટેટને કર માળખામાં લાવવાની સલાહ આપી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર જો આમ કરવામાં આવશે તો દેશની GDPમાં ત્રણ ટકાનો વધારો થશે.
વર્તમાનપત્ર ડોને વિશ્વ બેંકના કન્ટ્રી ડિરેક્ટર નજી બેનહાસિન અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી તોબિયાસ હક હવાલાને ટાંકીને કહ્યું હતું કે, દેશના અધિકાર ક્ષેત્રમાં આવતા 2 મુખ્ય સેક્ટરો રિયલ એસ્ટેટ અને કૃષિ સેક્ટરના લોકો પાસે મોટાભાગે કરમુક્ત મિલકતો છે, કેન્દ્ર પર નાણાંકીય બોઝ ઘટે તે માટે આ બંને સેક્ટરો પર કર લાદવો જોઈએ. બેંકના અંદાજ મુજબ જો કૃષિ આવક અને સંપત્તિ ટેક્સમાં યોગ્ય રીતે સુધારો કરી લાગુ કરવામાં આવે તો વાર્ષિક ધોરણે પાકિસ્તાનની જીડીપીમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે, જે ત્રણ લાખ કરોડ રૂપિયાથી થોડું વધુ છે.
તેમણે કહ્યું કે, દેશના કુલ જીડીપીમાંથી રિયલ એસ્ટેટનો બે ટકા અને કૃષિ સેક્ટરનો એક ટકા ફાળો હોવો જોઈએ. એટલે કે સત્તાવાર જીડીપીના કદ મુજબ રિયલ એસ્ટેટમાંથી 2.1 ટ્રિલિયન રૂપિયા અને કૃષિ સેક્ટર દ્વારા એક ટ્રિલિયન રૂપિયા આવક મેળવવી જોઈએ.