એક અધ્યયન સૂચવે છે કે વંશીય લઘુમતી બેકગ્રાઉન્ડમાંના મોટાભાગના લોકોને શારીરિક મજૂરીમાં રોજગારી મળવાની સંભાવના હજુ પણ વધારે છે,અથવા જોબ જ મળતી નથી.
બ્રિસ્ટોલ યુનિવર્સિટી, માન્ચેસ્ટર યુનિવર્સિટી અને નેશનલ સેન્ટર ફોર સોશ્યલ રિસર્ચની ટીમે કરેલા સંશોધનમાં જણાયું હતું કે 1970ના દાયકાની તુલનામાં લઘુમતીઓની રોજગાર સંભાવનામાં સુધારો થયો હતો જો કે તેઓ શ્વેત બહુમતીથી પાછળ રહ્યા હતા.
1971 અને 2011ના રાષ્ટ્રીય વસ્તી ગણતરીના ડેટાનું વિશ્લેષણ કરી ઇંગ્લેંડ અને વેલ્સના 70,000થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં શ્વેત બ્રિટીશ તેમજ સાત વંશીય જૂથોમાં આઇરીશ, ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી, શ્યામ કેરેબિયન, શ્યામ આફ્રિકન અને ચાઇનીઝનો સમાવેશ કરાયો હતો.
સાત વંશીય લઘુમતી જૂથોમાંથી પાંચ જૂથોના પુરુષોનો બેરોજગારી અથવા માંદગીનો દર 1971માં શ્વેત પુરુષો કરતા વધારે હતો. 2011ની વસ્તી ગણતરીમાં તે વધીને છ જૂથોનો થયો હતો અને તેમાં બંગલાદેશીના ઉમેરો થયો હતો. 1971માં સાત વંશીય લઘુમતી જૂથોમાંથી 6 જૂથોની મહિલાઓમાં શ્વેત મહિલાઓ કરતાં બેરોજગારી અથવા માંદગીનો દર વધુ હતો. 2011માં આ જુથોમાં આઇરિશનો ઉમેરો થયો હતો અને ચિનની બાદબાકી થઇ હતી.
આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, સૌથી વધુ વંચિત જૂથોમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની જાતિના પુરુષો અને મહિલાઓ હતા. જ્યારે પ્રમાણમાં મજબૂત સ્થિતિ ધરાવતા વંશીય જૂથોમાં ચીની અને ભારતીય પુરુષો હતા.