અમેરિકાના પ્રતિનિધિગૃહમાં H-4 વિઝા હોલ્ડર્સને આપોઆપ નોકરી કરવાની છૂટ આપતું એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. બે મહિલા સાંસદે ગુરુવાર (7 એપ્રિલ)એ આ બિલ રજૂ કરતાં જણાવ્યું હતું કે તેનો હેતુ અમેરિકાના બિઝનેસને અસર કરતી કામદારોની અછતની સમસ્યાને દૂર કરવાનો તથા ઇમિગ્રન્ટ્સ પરિવારોને એકસાથે રહેવામાં મદદરૂપ થવાનો છે.
અમેરિકામાં H-1B, H-2A, H-2B અને H-3 વિઝા હોલ્ડર્સના આશ્રિત જીવનસાથી અને બાળકોને H-4 વિઝા ઇશ્યૂ કરવામાં આવે છે. જોકે તેમને અમેરિકામાં નોકરી કરવા માટે વર્ક પરમીટ લેવી પડે છે અને તેમાં એક વર્ષ સુધીનો સમય જતો હોય છે. ઘણા H-4 વિઝા હોલ્ડર્સ પોતાની રીતે ઘણા કુશળ લોકો હોય છે અને અગાઉ પરિવારને સપોર્ટ કરવા માટે પોતાની રીતે નોકરી પણ કરી હોય છે.
સાંસદ કેરોલિન બોર્ડો અને મારિયા એલ્વિરા સલાઝારે રજૂ કરેલા H-4 વર્ક ઓથોરાઇઝેશન એક્ટમાં હાલના કાયદામાં સુધારો કરીને H-1B વિઝા હોલ્ડર ઇમિગ્રન્ટના જીવનસાથીને H-4 વિઝા મેળવ્યા બાદ આપોઆપ નોકરી કરવાની છૂટની દરખાસ્ત છે. તેનાથી વિઝા હોલ્ડર્સે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (ઇએડી) નામનું ફોર્મ- I-765 ભરવું પડશે નહીં.
બોર્ડોએ જણાવ્યું હતું કે “હાલમાં હાઇલી સ્કીલ્ડ ઇમિગ્રન્ટ્સે અમેરિકામાં નોકરીની પરવાનગી લેવા માટે વર્ષો સુધી જટિલ સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ બિલ પરિવારના સભ્યો પણ યોગદાન આપી શકે તે સુનિશ્ચિત કરવા માટે આ બિનજરૂરી અવરોધને દૂર કરે છે. જો આપણે સ્પર્ધાત્મક બની રહેવું હશે તથા વિશ્વભરના શ્રેષ્ઠ માઇન્ડ અને ટેલેન્ડને આકર્ષવા હશે તો આપણે સુનિશ્ચિત કરવું પડશે કે મૂલ્યવાન ઇમિગ્રન્ટ્સના પરિવારના સભ્યો પણ બીજા તમામ લોકોની જેમ અમેરિકામાં પોતાનું જીવન અને કારકિર્દી બનાવી શકે.”
એલ્વિરા સલાઝારે જણાવ્યું હતું કે આ નીતિથી અમેરિકાને તેની ઉદ્યોગસાહસિતાની ભાવનાનો શ્રેષ્ઠ સ્તરે લઈ જવામાં મદદ મળશે તથા મહત્ત્વના શ્રમ બજારની જરૂરિયાતો પૂરી કરીને રોજગારી સર્જન, ઇવોનેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિને વેગ આપી શકાશે.
હાલમાં H-4 વિઝા હોલ્ડર્સ અમેરિકામાં જ હોય અને પોતાના જીવનસાથી વર્ક કરતાં હોય તો પણ વર્ક ઓથોરાઇઝેશન લેવું પડે છે. આ પછી તેમને વર્ક પરમીટ મળે છે. યુનાઇટેડ સ્ટેટ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)નીમ ભારે બેકલોગને કારણે વર્ક ઓથોરાઇઝેશનની અરજીઓને મંજૂરી મળતા છથી આઠ મહિના લાગે છે. ઘણા કિસ્સામાં એક વર્ષ સુધીનો પણ વિલંબ થયો હોય છે.
આ બિલને નેશનલ ઇમિગ્રેશન ફોરમ અને UnidosUsએ સમર્થન આપ્યું છે. આ બિલથી વિઝા હોલ્ડર્સ ઝડપથી નોકરી કરી શકશે અને પોતાના પરિવાર માટે યોગદાન આપી શકશે. આ ઉપરાંત તેનાથી USCISમાં વર્ક ઓથોરાઇઝેશનને પેન્ડિંગ અરજીઓના ભરાવામાં ઘટાડો કરવામાં પણ મળશે.