સ્પોટ ફિક્સિંગના આક્ષેપથી મહિલા T20 વર્લ્ડ કપમાં ખળભળાટ મચી ગયો હતો. દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની એક ખેલાડીનો સ્પોટ ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. મીડિયા રીપોર્ટ મુજબ આ ખેલાડીએ ભ્રષ્ટાચાર વિરોધી આચાર સંહિતા અનુસાર અધિકારીઓને આ વિશે જાણ કરી છે. ઢાકા સ્થિત ન્યૂઝ ચેનલ જમુના ટીવીએ એક કથિત ઓડિયો વાર્તાલાપ પ્રકાશિત કર્યો જે કથિત રીતે બાંગ્લાદેશના બે ખેલાડીઓ વચ્ચે થયો હતો – જેમાંથી એક ખેલાડી મહિલા ટી-20 વર્લ્ડકપ માટે દક્ષિણ આફ્રિકામાં ટીમ સાથે છે, જ્યારે બીજો ખેલાડી બાંગ્લાદેશમાં છે.
આ બે ખેલાડીમાંથી એક ખેલાડીનું નામ લતા મંડલ હોવાનું માનવામાં આવે છે, જે ટીમની સાથે છે અને બીજા ખેલાડીનું નામ શોહેલી અખ્તર હોવાનું કહેવાય છે જે બાંગ્લાદેશમાં છે. આ વાયરલ ઓડિયો ટેપમાં શોહેલી અખ્તરે બુકી મારફત લતા મંડલને કથિત રીતે ફિક્સિંગની ઓફર કરી હતી. ઓડિયોમાં શોહેલી કહે છે કે, હું કંઈપણ બળજબરીથી નથી કરી રહી. તમે ઈચ્છો તો રમી શકો છો. તમે આ વખતે રમશો કે નહી. તમારે જે મેચમાં ફિક્સિંગ કરવી હોય એ તમે જાતે પસંદ કરી શકો છો. તમારી ઈચ્છા થાય ત્યારે તમે ફિક્સિંગ કરી શકો છો અને જો નથી કરવા માંગતા તો પણ કોઈ વાત નહી. જો તમે એક મેચમાં સારું રમો છો તો આગલા મેચમાં તમે સ્ટમ્પિંગ કે હીટ વિકેટ આઉટ થઈ શકો છો.
શોહેલી દ્વારા મળેલી ઓફરના જવાબમાં લતા મંડલે કહ્યું કે હું આવી બાબતોમાં સામેલ નથી, મને આવી બાબત વિષે ના જણાવો. હું આવુ ક્યારેય નહી કરી શકું. લતાએ આ વાતની ફરિયાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને કરી હતી.
સ્પોટ-ફિક્સિંગના કથિત ઓડિયો વાતચીત પર પ્રતિક્રિયા આપતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું હતું કે બોર્ડ ન્યૂઝ રીપોર્ટને આધારે તપાસ શરૂ કરી શકે નહીં.
બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની સાથે T20 વર્લ્ડ કપના ગ્રુપ Aમાં મૂકવામાં આવી છે. બાંગ્લાદેશે તેની ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેની આગામી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.