તેલંગણાના હૈદરાબાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બે દિવસની બેઠકમાં કોંગ્રેસે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડી હતી અને આ તમામ રાજ્યોમાં નિર્ણાયક જનાદેશ મેળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પક્ષે 2024ની લોકસભાની ચૂંટણીની માટેની તૈયારીની પણ સમીક્ષા કરી હતી.
પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગેએ નેતાઓને એકતા અને શિસ્ત જાળવી રાખવાની શીખ આપી હતી. પુનર્ગઠિત CWCની પ્રથમ બેઠક દરમિયાન પાર્ટીએ સંસદના આગામી વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ પસાર કરવા, જાતિની આધારિત વસ્તી ગણતરી હાથ ધરવા તથા અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ ( ST) અને અન્ય પછાત વર્ગો (OBC) અનામતમાં વધારો કરવાની માગણી કરી હતી. આ બેઠકમાં એક ઠરાવ પસાર કરીને “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ના આઇડિયાને નકારી કાઢવામાં આવ્યું હતું અને તેને દેશના સંધિય માળખા પર પ્રહાર ગણાવ્યો હતો.
ઘણા વર્ષો પછી CWCની બેઠક દિલ્હીની બહાર બેઠક મળી હતી. આ બેઠકને તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને સત્તા પરથી હટાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. બેઠકના સમાપન દિવસે ખડગેએ પક્ષના નેતાઓને અનુરોધ કર્યો હતો કે તેઓ પક્ષની સફળતા સુનિશ્ચિત કરવા માટે તેમના અંગત મતભેદોને બાજુ પર રાખીને દેશમાં વૈકલ્પિક સરકારની રચના કરવા માટે કામ કરે.
CWCની બેઠકના અંતે અપનાવવામાં આવેલા ઠરાવમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસને છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણાના લોકો તરફથી નિર્ણાયક જનાદેશ પ્રાપ્ત થશે. ઠરાવામાં જણાવાયું હતું કે કોંગ્રેસ પાર્ટી લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને વિશ્વાસ છે કે આપણા દેશના લોકો પરિવર્તન ઈચ્છે છે. અમે કાયદો અને વ્યવસ્થા, સ્વતંત્રતા, સામાજિક અને આર્થિક ન્યાય અને સમાનતા માટેની જનતાની અપેક્ષાઓ પૂરી કરીશું.