ઓસ્ટ્રેલિયામાં ગયા સપ્તાહે શરૂ થયેલી મહિલા ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતે તેની પહેલી મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય સાથે આરંભ કર્યો હતો. એ પછી, સોમવારે (24 ફેબ્રુઆરી) બંગલાદેશને બીજી મેચમાં 18 રને હરાવ્યું હતું. બંગલાદેશ સામે ભારતે છ વિકેટે 142 કર્યા હતા, જવાબમાં બંગલાદેશ 8 વિકેટે 124 રન જ કરી શક્યું હતું. 39 રનની ઈનિંગ બદલ શેફાલી વર્મા પ્લેયર ઓફ ધી મેચ જાહેર થઈ હતી.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતીય ટીમને પહેલા બેટિંગમાં ઉતારવામાં આવતાં 4 વિકેટે 132 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા વિજય માટે જરૂરી સ્કોરથી 18 રન દૂર રહી જતાં ભારતનો 17 રને વિજય થયો હતો. શુક્રવારે (21 ફેબ્રુઆરી) રમાયેલી મેચમાં છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને 21 રન કરવાના હતા, પણ તે 3 રન જ કરી શકી હતી.
ભારતે ચાર વિકેટે 132 કર્યા હતા, જેમાં દીપ્તિ શર્માનું સૌથી વધુ 49 રનનું પ્રદાન હતું. ઓસ્ટ્રેલિયા છેલ્લી ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર હીલીએ સૌથી વધુ 51 તથા ગાર્ડનરે 34 રન કર્યા હતા. ભારત તરફથી પૂનમ યાદવે 19 રનમાં ચાર અને શિખા પાંડેએ 14 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. પૂનમ યાદવને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાઈ હતી.