હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓએ તેમના પર લાગેલા બંધનો દૂર કર્યા છે. કેમેરાની સામે અને કેમેરાની પાછળ પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી છે. દાયકાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં રવિના ટંડને જણાવ્યું હતું કે, ટીવી અને ઓટીટી માધ્યમો પર મહિલાઓને વધારે સક્ષમ બતાવવામાં આવે છે અને મહિલાઓને કેન્દ્રસ્થાને રાખીને શો બનાવવામાં આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ તેમની પાસેથી શીખવું જોઈએ.
નવી દિલ્હી ખાતે તાજેતરમાં નેશનલ કોન્ક્લેવ મનકી બાત @ 100 દરમિયાન રવિનાએ જણાવ્યું હતું કે ટીવી ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓનું રાજ છે. ઓટીટી પ્લેટફોર્મ પર પણ મહિલાઓના રોલને વધારે મહત્ત્વ અપાય છે અને તેમના ઈસ્યૂ અંગે વાત થાય છે. ફિલ્મોમાં મહિલા અને પુરુષ કલાકારોની ફીમાં અસમાનતા અંગે ઘણી વખત વાત થાય છે, જ્યારે ટીવીમાં મહિલા એક્ટર્સને પુરુષો કરતાં ઘણી વધારે રકમ ચૂકવાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ તેમાં ધીમી ગતિએ ફેરફાર આવી રહ્યા હોવાનું રવિનાએ કહ્યું હતું.
નારી શક્તિ સેશન દરમિયાન રવિનાએ કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ મહિલાઓ તેમના પર લાગેલા બંધનોને પાર કરવામાં સફળ રહી છે. ઉચ્ચ સ્થાન પર મહિલાઓના આગમન સાથ જ સ્થિતિ બદલાઈ રહી છે. ખાસ કરીને ઓટીટી અને ટીવીમાં ડાયરેક્ટર, ફોટોગ્રાફી, કોરિયોગ્રાફી, પ્રોડ્યુસર, ચેનલ હેડ જેવી વિવિધ જગ્યાઓ પર મહિલાઓ જોવા મળે છે. તેના કારણે મહિલાઓને તેમની યોગ્યતા મુજબ તક મળી રહી છે. મહિલાની વાત અને ટેલેન્ટને મહિલા સારી રીતે સમજી શકે છે અને તેથી જ મહિલાઓને વધારે તક મળે છે. રવિના ટંડનને 2001માં દમન ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. જેમાં તેમણે લગ્ન જીવનમાં બળાત્કારનો ભોગ બનતી મહિલાનો રોલ કર્યો હતો. થોડા દિવસો અગાઉ તેમનું પદ્મશ્રી એવોર્ડથી રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું હતું.
————————-