નિયમિત રીતે ઇમેઇલનો ઉપયોગ કરનારા લોકો સામાન્ય રીતે તેમના મેઇલના સ્પામ ફોલ્ડરમાં આવતા મેસેજને નકામા ગણીને કાઢી નાખતા હોય છે. પરંતુ અમેરિકાની એક મહિલાને આવા જ એક જંક મેઇલની તપાસ કરતા તેમને લોટરી લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
મિશિગનમાં ઓકલેન્ડ કાઉન્ટિનાં રહીશ 55 વર્ષીય લૌરા સ્પીઅર્સ વ્યવસાયે નર્સ છે. તેઓ જ્યારે એક દિવસ અન્ય મેસેજ જોવ માટે સ્પામ ફિલ્ટરને જોતા હતા ત્યારે તેમાં તેઓ ત્રણ મિલિયન ડોલરની લોટરીમાં વિજેતા થયા છે તેવો એક મેસેજ જોવા મળ્યો હતો. આ લોટરીથી તેઓ ખૂબ ખુશ થયા હતા અને તેમણે આ વાત તેમના પરિવારજનોને જણાવી હતી. હવે તેઓ વહેલા નિવૃત્ત થવાનું આયોજન કરી રહ્યા છે.મળતી માહિતી મુજબ અમેરિકાની લૌરા સ્પીયર્સે જંક મેલની મદદથી 30 લાખ ડોલરની લોટરી જીતી છે એટલે કે ભારતીય ચલણમાં લગભગ 22.41 કરોડ રૂપિયા. તે કહે છે, “હું મારા મેઇલબોક્સમાં કોઈ ઈ-મેઈલ શોધી રહી હતી. આ સમય દરમિયાન મે સ્પામ ફોલ્ડર પણ ચેક કર્યું ત્યારે જ મારી નજર એક સ્પામ મેઇલ પર પડી. જેમાં લખ્યું હતું કે, મને લોટરી લાગી છે અને મેં ત્રણ મિલિયન ડોલરની ઇનામી રકમ જીતી હતી. સ્પીઅર્સે મિશિગન લોટરીને જણાવ્યું હતું કે, ‘ફેસબુક પર મેગા મિલિયન્સ જેકપોટની એક જાહેરાત જોઇ હતી, તે કિંમત ખૂબ જ ઊંચી હતી. તેથી મેં તેને એકાઉન્ટ દ્વારા ખરીદી લીધી હતી. થોડા દિવસ પછી હું કોઇકનો ઇમેઇલ શોધી રહી હતી, તેથી મેં સ્પામ ફોલ્ડર તપાસ્યું હતું, ત્યારે તેમાં તમે લોટરીનો મેઇલ હતો અને જણાવ્યું હતું કે તમે ઇનામ જીતી ગયા છો. પરંતુ હું તે માનતી નહોતી તેથી મેં લોટરી એકાઉન્ટમાં ખાતરી કરી, અને જે જાણવા મળ્યું તે હજુ પણ મારા માટે આંચકાજનક હતું કે, મને ખરીખર ત્રણ મિલિયન ડોલરની લોટરી લાગી છે.’
તેણે વધુમાં જણાવ્યું હતું કે, ‘હવે હું મિશિગન લોટરીને મારા સલામત મેઇલની યાદીમાં રાખી રહી છું. કોને ખબર કે ભવિષ્યમાં ક્યારેક તેમના તરફથી કોઈ મોટા ઇનામનો ઇમેઇલ મળે.’