બોગસ પાસપોર્ટને આધારે વિદેશ જવાનો પ્રયાસ કરનારી એક મહિલાને મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશન એરપોર્ટ (SVPIA)થી ઝડપી લેવામાં આવી હતી. આ મહિલા મહેસાણાની હતી, પરંતુ તેના પાસપોર્ટમાં એડ્રસ મુંબઈનું હતું. આ ઘટનાને પગલે બોગસ પાસપોર્ટ બનાવવાનારા એજન્ટની તપાસ ચાલુ કરવામાં આવી હતી.
આ કેસની વિગતો એવી છે કે અમદાવાદ એરપોર્ટ પરના ઈમિગ્રેશન ઓફિસર મંગળવારે સિંગાપોર એરલાઈન્સ ફ્લાઈટ માટે પેસેન્જરનું ઈમિગ્રેશન ચાલી રહ્યું હતું ત્યારે એક રૂહી મુસરફ રાજપકર નામે પાસપોર્ટ ધરાવતી મહિલાને રોકીને પૂછપરછ કરી હતી. પાસપોર્ટમાં મુંબઈનું એડ્રસ આપનારી મહિલાને ચેકિંગ ઈમિગ્રેશન દરમિયાન રોકીને તેના પાસપોર્ટ પ્રમાણે તપાસ કરતા વિગતો મળી નહોતી.
આ પછી રૂહી મુસરફ રાજપકર પાસે આધારકાર્ડની માગણી કરવામાં આવી હતી, જેમાં મહિલાનું નામ ભારતીબેન જયેશભાઈ પટેલ હતું અને સરનામું મહેસાણાના સાંથલ ગામનું હતું. આ પછી શરૂ થયેલા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે મહિલાએ અન્ય વ્યક્તિના પાસપોર્ટમાં પોતાનો ફોટો લગાવી દીધો હતો. બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં ભારતી પટેલની એરપોર્ટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.