ઘરેલું દુર્વ્યવહારના કારણે તેમના બાળકોથી અલગ કરી તેમના વતન ધકેલી દેવાયેલી મહિલાઓને હવે યુકેમાં ઇનડેફિનેટ લીવ ટૂ રીમેઇન એટલે કે કાયમી રહેવા માટે જે તે દેશમાંથી અરજી કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ મહિલાઓ તેમના ભૂતપૂર્વ સાથીદારો પાસેથી તેમના સંતાનોને પાછા લેવા માટે કાનૂની લડત પણ શરૂ કરી શકે છે.
દાયકાઓથી, મોટાભાગે સાઉથ એશિયન વંશની સેંકડો માતાઓ પાસેથી તેમના બાળકો બળજબરીથી લઈ લેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આવી મહિલાઓ બ્રિટિશ પતિ સાથે એરેન્જ્ડ મેરેજ કરીને પાકિસ્તાન જેવા દેશમાંથી યુકે લાવવામાં આવે છે. તેમનું બાળકો પેદા કરવાના હેતુથી શોષણ કરવામાં આવે છે અને તેમના સાસરિયાઓ માટે નોકર તરીકે કામ કરે છે. તેઓ અભણ હોવાથી કે અંગ્રેજી બોલી શકતા ન હોવાથી કે પછી વિઝા સમાપ્ત થઈ જવાના કે પાસપોર્ટ લઇ લેવાયો હોવાથી પ્રતિકાર કરી શકતી નથી. બાળકો થયા પછી, તેમને છેતરીને વતન ધકેલી દેવાય છે અને ઘણા કિસ્સાઓમાં છૂટાછેડા લેવામાં આવે છે.
જો કે, ગયા અઠવાડિયે આવેલા હાઈકોર્ટના ચુકાદાથી પીડિતોને નવી આશા મળશે. આ ચુકાદો એ સંસ્થાઓની જીત છે જે લાંબા સમયથી ફસાયેલી માતાઓ માટે અભિયાન ચલાવી રહી છે. યુકેમાં મદદ માટે, વેબસાઇટ southallblacksisters.org.uk પર તપાસ કરવા વિનંતી છે.