તાઇવાન બાદ દક્ષિણ કોરિયાએ જે રીતે કોરોનાવાયરસ સામે લડાઇ લડી, તેને આજે વિશ્વમાં એક મોડલ માનવામાં આવી રહ્યું છે. આજે દક્ષિણ કોરિયા કોરોના સંક્રમિત દેશોની યાદીમાં 8માં સ્થાને છે. અત્યાર સુધી અહીં સંક્રમણના 9037 કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. માત્ર 129 લોકોના મોત થયા જ્યારે માત્ર 59 ગંભીર છે.
જોકે પહેલા પરિસ્થિતિ આવી ન હતી. 8-9 માર્ચના 8000 લોકો સંક્રમિત હતા પરંતુ છેલ્લા બે દિવસમાં માત્ર 12 નવા કેસ સામે આવ્યા છે. ચોંકવાનારી વાત એ છે કે પહેલો કેસ આવ્યા બાદથી પણ અહીં કોઇ લોકડાઉન નથી થયું અને બજાર પણ બંધ નથી થયા.
દ. કોરિયાના વિદેશમંત્રી કાંગ યુંગ વા જણાવે છે કે તાત્કાલિક ટેસ્ટ અને સારા ઇલાજના કારણે કેસ ઓછા થયા અને તેનાતી મૃત્યુનો આંકડો પણ ઓછો રહ્યો. અમે 600થી વધુ ટેસ્ટિંગ સેન્ટર ખોલ્યા. 50થી વધારે ડ્રાઇવિંગ સ્ટેશનો પર સ્ક્રિનિંગ કર્યું.
રિમોટ ટેમ્પરેચર સ્કેનર અને ગળામાં ખરાબીને તપાસી જેમાં માત્ર 10 મિનિટનો સમય લાગ્યો. એક કલાકની અંદર રિપોર્ટ મળે તેની વ્યવસ્થા કરી. અમે દરેક જગ્યાએ પારદર્શક ફોનબૂથને ટેસ્ટિંગ સેન્ટરમાં તબદીલ કરી નાખ્યા.
દ.કોરિયામાં સંક્રમણ તપાસવા માટે સરકારે મોટી ઇમારતો, હોટલ, પાર્કિંગ અને સાર્વજનિક સ્થળો પર થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા જેનાથી જે વ્યક્તિને તાવ હોય તેની તુરંત ઓળખાણ થઇ શકે. રેસ્તરાંમાં પણ તાવની તપાસ થયા બાદ જ ગ્રાહકોને પ્રવેશ મળે તેની વ્યવસ્થા કરવામાં આવી.
દ.કોરિયાના જાણકારોએ લોકોને સંક્રમણથી બચવા માટે હાથોના ઉપયોગની એક રીત પણ શિખવાડી હતી. તેમાં જો વ્યક્તિ જમણા હાથથી કામ કરતો હોય તો તેને મોબાઇલ પકડવા, દરવાજાનો હેન્ડલ પકડવા માટે અને અન્ય નાનામોટા કામમાં ડાબા હાથનો ઉપયોગ કરવાની સલાહ આપવમાં આવી હતી.
તેવી જ રીતે ડાબા હાથનો ઉપયોગ કરતા લોકોને જમણા હાથનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ કરવા પાછળનું કારણ એ કે જે વ્યક્તિ મોટાભાગે જે હાથનો ઉપયોગ તેના રોજિંદા કાર્યોમાં કરતો હોય તે હાથ જ ચહેરા પર લઇ જતો હોય છે. આ ટેક્નિક ખૂબ અસરકારક રહી. સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઇ હતી.
જાન્યુઆરીમાં પહેલો કેસ સામે આવ્યા બાદ સૌથી પહેલા ફાર્મા કંપનીઓ સાથે મળીને ટેસ્ટિંગ કિટનું ઉત્પાદન વધારવામાં આવ્યું. બે અઠવાડિયામાં સંક્રમણના કેસ વધ્યા તો ઝડપથી ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ થાય તે સુનિશ્વિત કર્યું. આજે દક્ષિણ કોરિયામાં દૈનિક 1 લાખ ટેસ્ટિંગ કિટ બની રહી છે. 17 દેશમાં તેની નિકાસ પણ શરૂ થવા જઇ રહી છે.
કોરોના સંક્રમણના કેસ આવ્યા બાદ પણ કોરિયાએ એક દિવસ માટે પણ માર્કેટ બંધ નથી કર્યા. મોલ, સ્ટોર, નાની મોટી દુકાનો નિયમિત રીતે ખુલતી રહી હતી. લોકોના બહાર નિકળવા પર પણ કોઇ પાબંદી લગાવવામાં આવી ન હતી. વાયરસથી સુરક્ષાનો અભ્યાસ 2005થી જ લોકોની આદતમાં છે જ્યારથી મિડલ ઇસ્ટ રેસ્પારેટરી સિન્ડ્રોમ ફેલાયો હતો.