યુકે અને ભારત વચ્ચે ગુરુવાર, 13 જાન્યુઆરીએ મુક્ત વેપાર સમજૂતીનો પ્રારંભ થયો હતો. લંડન ઇચ્છે છે કે ભારત સ્કોચ વ્હિસ્કી માટેની ટેરિફમાં ઘટાડો કરે અને તેના સર્વિસ અને ટેકનોલોજી ક્ષેત્રોને બ્રિટન માટે ખુલ્લું મુકે છે. બીજી તરફ ભારત બ્રિટનના વિઝાના નિયમોને સરળ અને સસ્તા બનાવવામાં આવે તેવું ઇચ્છે છે.

ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલ અને બ્રિટનના ટ્રેડ સેક્રેટરી એની મેરી ટ્રેવલિને નવી દિલ્હીમાં મંત્રણા ચાલુ કર્યા બાદ સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. તેમાં 2030 સુધીમાં દ્વિપક્ષીય ટ્રેડ વોલ્યુમને બમણો કરવાના લક્ષ્યાંકને દોહરાવ્યો હતો.

ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે બંને પક્ષો સંમત થયા છે કે અમે પરસ્પરના લાભ હોય અને ઓછા મતભેત હોય તેવા ક્ષેત્રો પર શરુઆતમાં ધ્યાન કેન્દ્રીત કરીશું અને તે માટે અમે આગામી થોડા મહિનાની ઘણી મહત્વકાંક્ષી સમયમર્યાદા નિર્ધારિત કરી છે. અમને વિશ્વાસ છે કે બંને અર્થતંત્રો માટે ઘણુ એકબીજીની પૂરક છે તેનાથી અમે પ્રથમ તબક્કામાં ઘણી નોંધપાત્ર સમજૂતી સરળતાથી કરી શકીશું. હું માનું છું કે અમે આશરે એક વર્ષમાં આ મંત્રણા પૂરી કરવા પ્રતિબદ્ધ છીએ.

બ્રિટશના વડાપ્રધાન બોરિસ જોન્સને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એફટીએથી ભારત સાથે દેશની ઐતિહાસિક ભાગીદારી નવી ઊંચાઇ જશે. તેમણે કેટલાંક મહત્ત્વના લાભાર્થી ક્ષેત્રોમાં સ્કોચ વ્હિસ્કી, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને અત્યાધુનિક રિન્યુએબલ ટેકનોલોજીને ગણાવ્યા હતા.

જોન્સને જણાવ્યું હતું કે “ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્ર સાથે વેપાર સમજૂતીથી બ્રિટનના બિઝનેસ, કામદારો અને ગ્રાહકોને જંગી લાભ થશે. આપણે ભારત સાથેની ઐતિહાસિક ભાગીદારીને નવા સ્તરે લઈ જઈ રહ્યાં છે ત્યારે યુકેની સ્વતંત્ર વેપાર નીતિ દેશમાં નોકરીનું સર્જન કરી રહી છે, વેતનમાં વધારો કરી રહી છે અને ઇનોવેશનને વેગ આપી રહી છે.”

તેમણે જણાવ્યું હતું કે યુકે વર્લ્ડ ક્લાસ બિઝનેસ અને એક્સપર્ટાઇઝ ધરાવે છે. આપણે સ્કોચ વ્હિસ્કી ડિસ્ટિલર્સથી લઇને ફાઇનાન્શિયલ સર્વિસ અને અત્યાધુનિક રિન્યુએબલ ટેકનોલોજી માટે ગર્વ લઈ શકીએ છીએ. અમે વૈશ્વિક સ્તરે આપણા સ્થાનને મજબૂત કરવા તથા દેશમાં નોકરીઓ અને આર્થિક વૃદ્ધિ લાવવા માટે ઇન્ડો પેસિફિકના વિકસતા અર્થતંત્રો દ્વારા ઓફર કરવામાં આવતી તકો ઝડપી રહ્યાં છે.

જાન્યુઆરી 2020માં બ્રેક્ઝિટ પછી બ્રિટને અત્યાર સુધી જાપાન, ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે વેપાર સમજૂતી કરી છે.