શિયાળો સુસવાટાભેર આવી રહ્યો છે અને હવામાન કચેરીએ આ અઠવાડિયાના અંતમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે ગેલ ફોર્સ પવન અને વરસાદની ચેતવણી આપી છે. સોમવારે વહેલી સવારે સાઉથ અને સેન્ટ્રલ ઈંગ્લેન્ડમાં ગાઢ ધુમ્મસ છવાઈ જવાને કારણે યુકેના બે એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
મેટ ઑફિસ કહે છે કે આગામી દિવસોમાં શિયાળાની શરૂઆત ધમાકેદાર થઈ શકે છે. રિમેમ્બરન્સ સન્ડે રેકોર્ડ પર સૌથી ગરમ દિવસ રહ્યો હતો. હવામાન કચેરીના પ્રવક્તા નિકોલા મેક્સીએ જણાવ્યું હતું કે, ‘આ અઠવાડિયે તાપમાનમાં ઘટાડો થવાની અપેક્ષા છે જે આપણે વર્ષના આ સમય માટે અપેક્ષા રાખીએ છીએ.’
તા. 14 સોમવારના ધુમ્મસ માટે યલો વોર્નીંગ આપાઇ હતી. જેને પગલે વિઝીબીલીટી લગભગ 100 મીટર સુધી ઘટતા બસ અને ટ્રેન સેવાઓમાં વિલંબની ચેતવણી અપાઇ હતી. લંડન સિટી એરપોર્ટની કુલ છ ફ્લાઇટ્સ રદ કરાઇ હતી, જ્યારે પશ્ચિમ લંડનના હીથ્રો ખાતે બ્રિટિશ એરવેઝે 15 પ્રસ્થાનોને રોકી દીધા હતા.
આ અઠવાડિયે પારો સિંગલ ડિજિટમાં ડૂબી શકે છે તો નોર્થના વિસ્તારોમાં બરફ પડવાની શક્યતા પણ છે. શનિવારે મેટ ઑફિસે આગાહી કરી હતી કે આગામી વિકેન્ડ સુધીમાં નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના ભાગોમાં બરફ પડવાનું શરૂ થઈ શકે છે જોકે તેમણે ‘ધ્રુવીય વિસ્ફોટો’ના અહેવાલોને નકારી કાઢ્યા હતા. વેબસાઇટ wxcharts મુજબ ઉત્તરીય વિસ્તારો અને સ્કોટલેન્ડમાં તા. 19 – 20ના રોજ બરફ પડી શકે છે.
ઓહ હો ગરમી…..
અશ્ચર્યની વાત એ છે કે 13 નવેમ્બરે નોર્થ વેલ્સના પોર્થમાડોગમાં ગરમીનો પારો 21.2 સેલ્સીયસ (70 F) સુધી પહોંચ્યો હતો, જે આ વર્ષના અંતમાં યુકેમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. આર્મિસ્ટિસ ડેના રોજ લેન્કેશાયરમાં માયર્સકોફમાં 19.5 સેલ્સીયસ અને લંડનના કેન્સિંગ્ટન પેલેસ ખાતે 17.8 સેલ્સીયસ (64F), સ્કોટલેન્ડમાં લોસીમાઉથમાં 19.1 સેલ્સીયસ (66F) અને નોર્ધર્ન આયર્લેન્ડમાં મેગિલિગનમાં તાપમાન 17.4C (63F) સુધી પહોંચ્યું હતું.