શિયાળો આવી રહ્યો છે અને અંધકરાનો ઓળા વહેલા નીચે ઉતરી આવે છે ત્યારે એશિયન મૂળના અને ખાસ કરીને બ્રિટનમાં વસતા ભારતીય પરિવારોના ઘરોમાં ઘુસીને ચોરી અને લુંટફાટ કરવાના બનાવોમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. આવા ચોરીના બનાવોને રોકવા, સાવચેતી રાખવા માટે પોલીસ તરફથી વિશેષ સુચનાઓ આપવામાં આવી રહી છે.
વધેલી મોંઘવારી, ડ્રગ્સ, જુગાર અને દારૂની બૂરી આદત અને નોકરીઓ છૂટી જવાના કારણે ઘણાં લોકો ચોરી લુંટફાટ તરફ વળ્યા છે ત્યારે ચોરી – લંટફાટના બનાવોમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. પોલીસે લોકોને જાગૃત કરતાં ચેતવણી આપી છે કે કમનસીબે અંધકારનો મોકો જોઇને ચોરો મોટેભાગે ઘરની બારી કે દરવાજો બળજબરીથી તોડીને ચોરી કરતા હોય છે. આ ઉપરાંત ચોરો ખુલ્લી રાખવામાં આવેલી બારી કે દરવાજા દ્વારા ઘુસી જઇને ચોરી કરે છે. જો બારી દરવાજા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરાય ત્યારે અવાજ આવે ત્યારે જો તકેદારી રાખીને તપાસ કરવામાં આવે તો ચોરી થતી અટકાવી શકાય છે.
સૌથી પહેલું કામ તમે ઘરની બહાર જાવ ત્યારે ઘરના તમામ બારીઓ અને દરવાજા બરોબર બંધ કરી લોક કરીને જ બહાર જાવ. ઘરમાં સુતા હો ત્યારે પણ આવી જ તકેદારી રાખવા પોલીસે ભલામણ કરી છે. જ્યારે તમે સુવા જાવ ત્યારે તમારી કારની ચાવીઓ, પાકીટ, હેન્ડબેગ્સ અને અન્ય કીંમતી ચીજવસ્તુઓ તમારી સાથે બેડરૂમમાં જ રાખો. બીજી તરફ સોના-ચાંદી કે હીરાના ઘરેણાં કે અન્ય કોઈ કિંમતી ચીજવસ્તુઓ ઘરના બદલે સેફ ડિપોઝિટ બોક્સ – લોકરમાં રાખવા વિનંતી છે.
જો તમારા ઘરમાં ઇન્ટ્રુડર અલાર્મ ન હોય તો તે લગાવવા વિનંતી છે. તમે રાત્રે સુઇ જાવ કે ઘરની બહાર જાવ ત્યારે હોમ અલાર્મ એક્ટીવ કરવા સલાહ અપાઇ છે. આવી જ રીતે વિડીયો કેપ્ચર કરી શકે તેવો ‘રીંગો’ જેવો ડોરબેલ નંખાવવા વિનંતી છે. જેથી તમે ઘરે ન હો ત્યારે પણ કોઇ ડોરબેલ રણકાવે ત્યારે ઘરની બહાર હો ત્યારે પણ જવાબ આપી શકો છો. કેટલાક લોકો ગાર્ડનમાં પણ આવો ડોર બેલ નંખાવે છે જેથી કોઇ હલનચલન થાય ત્યારે ઘરમાં બેલ રણકે છે અને તમે તેનું રેકોર્ડીંગ પણ જોઇ શકો છો.
આજ રીતે વધુ સુરક્ષા માટે તમે સીસીટીવી કેમેરા પણ નંખાવી શકો છો. હવે તો તમે મોબાઇલ ફોન કે ઘરની બહાર હો ત્યારે લેપટોપ કે કોમ્પ્યુટર પર ડરની બહાર થતી તમામ હિલચાલ જોઇ શકો છો.
આ ઉપરાંત કોઇની અવરજવર થવાથી – સેન્સર દ્વારા ચાલુ થતી LED લાઇટ પણ ઘરની બહાર કે ગાર્ડનમાં લગાવી શકો છો. જેનાથી લાઇટ ચાલુ થતા ચોર લોકોમાં પકડાઇ જવાનો ડર બેસે છે. વધતા ઇલેક્ટ્રીક ખર્ચને બચાવવા માટે તમે સોલાર પેનલથી ચાલતી લાઇટનો ઉપયોગ કરી શકો છો.
આજકાલ ચાવી વગરની મોંઘી કાર ઇલોક્ટ્રોનિક ડીવાઇસથી ચોરવાનું વલણ વધી ગયું છે. જેમાં ચોરો તમારા ઘરમાં રહેલી કારની ચાવીની આઇપેડ જેવા ઇલોક્ટ્રોનિક ડીવાઇસથી કોપી કરીને કાર ચાલુ કરી ચોરી જાય છે. જો તમે કી-લેસ વાહન વાપરતા હો તો તેની ચાવી તમે સિગ્નલ બ્લોકર પાઉચમાં મૂકી રાખો જેથી કોઇ રીમોટલી ચાવીની કોપી કરી કાર ચોરી ન શકે.
જો તમે ઘરની બહાર જતા હો, કોઇ લગ્ન કે અન્ય પ્રસંગે બહાર જતા હો ત્યારે કિંમતી સોના-ચાંદી કે હીરાના દાગીના જાહેરમાં પહેરવાનું ટાળો. બની શકે તો મુસાફરી દરમિયાન જ્વેલરી પહેરવાનું કે મોંઘા ફોન જાહેરમાં બતાવવાનું ટાળો. જે તે સ્થળે કે હોલમાં જઇને તમે દાગીના પહેરી શકો છો. બની શકે તો તમારા જ્વાલરીનું કોઇ ઓથોરાઇઝ્ડ જ્વેલરીશોપમાંથી વેલ્યુએશન કરાવી લો. તમે તેનો વિમો પણ લઇ શકો છો. જ્વેલરીના ફોટો પાડીને સાચવી રાખો જેથી તે ચોરાઇ જાય ત્યારે પોલીસને તે સોંપી શકો જેથી પોલીસ તે જ્વેલર્સને બતાવીને તે વેચાવા આવે ત્યારે પકડી શકે છે.
એવું નથી કે આ પગલા તમને ચોરી સામે બચાવી જ લેશે. પરંતુ એટલું ચોક્કસ છે કે તમે લીધેલી સાવચેતી ચોરો માટે તેમનું કામ મુશ્કેલ બનાવશે અને બની શકે છે કે તેઓ તમારા ઘરમાં ચોરી કરવાનો ઇરાદો પડતો મૂકી દે.
કૃપા કરીને તમારા ઘરની સુરક્ષા વિશે વિચાર કરો અને જો દિવસે કે રાત્રે તમને કોઇ અજૂગતો આવાજ આવે તે તેની તપાસ કરો અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ અંગે પોલીસને 999 પર જાણ કરો.