વિન્ડરશની સીમાચિહ્નરૂપ 75મી વર્ષગાંઠ પૂર્વે 7 જૂનના રોજ પ્રકાશિત થયેલા બ્રિટનમાં રેસ ઇક્વાલીટી પરના પહેલા સંશોધનમાં જણાવાયું છે કે બ્રિટનમાં વસતા વંશીય લઘુમતીના 80 ટકા લોકો સંમત થાય છે કે યુએસએ, જર્મની અથવા ફ્રાન્સ જેવા અન્ય દેશો કરતાં યુકે વંશીય લઘુમતીના વ્યક્તિ માટે વધુ સારું સ્થળ છે. જ્યારે 67 ટકા લોકો સંમત થયા છે કે “શ્યામ અને એશિયન લોકો આજે પણ બ્રિટનમાં તેમના રોજિંદા જીવનમાં ભેદભાવનો સામનો કરે છે. માત્ર 10% લોકો આ સાથે અસંમત થયા હતા.
થિંક ટેન્ક બ્રિટિશ ફ્યુચર દ્વારા ‘વ્હાય ધ વિન્ડરશ મેટર્સ ટુડે’માં પ્રકાશિત કરાયેલ આ રિપોર્ટમાં લોકો વિન્ડરશ વિશે શું જાણે છે, અનુભવે છે, આપણે તેની 22 જૂનના રોજ આવતી 75મી વર્ષગાંઠની કેવી રીતે ઉજવણી કરવી જોઈએ અને પૂર્વગ્રહનો સામનો કરવા અને લોકોને એક સાથે લાવવા માટે આપણે હવે શું કરવું જોઈએ તેની વિગતો અપાઇ છે.
આ સંશોધનમાં જણાવાયું છે કે ‘’સામાન્ય પ્રજાના 71 ટકા અને વંશીય લઘુમતીઓના 68 ટકા લોકો સહમત છે કે યુકેએ છેલ્લા 25 વર્ષોમાં વંશીય સમાનતા પર નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરંતુ 80 ટકા વંશીય લઘુમતીઓ અને 66 ટકા જનતા એકંદરે સંમત છે કે યુકેને આગામી 25 વર્ષમાં વંશીય સમાનતા પર વધુ પ્રગતિ કરવાની જરૂર છે. જ્યારે અશ્વેત લોકો પૈકી 87 ટકાને લાગે છે કે હજૂ વધુ પ્રગતિની જરૂર છે.
બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર અને રિપોર્ટના સહ-લેખક સુંદર કટવાલાએ કહ્યું હતું કે “વિન્ડરશની 75મી વર્ષગાંઠે ઇતિહાસના પ્રણેતાઓનું સન્માન કરવા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. જેનો આપણા ભવિષ્યની કલ્પના કરવાની તક તરીકે લાભ લેવો જોઈએ. બ્રિટન આ 75 વર્ષોમાં વધુ બદલાયું છે પરંતુ આપણે રેસ પર પ્રગતિ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે આવનારા 25 વર્ષોમાં પરિવર્તન માટે મહત્વાકાંક્ષી એજન્ડા માટે પ્રતિબદ્ધ થવું એ યોગ્ય વારસો હશે.”
57 ટકા લોકો માને છે કે યુકેની રાજકીય અને મીડિયા ચર્ચા છેલ્લા 10 વર્ષોમાં જાતિના પ્રશ્નો પર વધુ વિભાજક બની છે. 61 ટકા લોકો માને છે કે વિન્ડરશની 75મી વર્ષગાંઠ દેશ માટે મહત્વપૂર્ણ છે. 74 ટકા જનતા અને વંશીય લઘુમતીના 79 ટકા માને છે કે બાળકોએ વિન્ડરશ વિશે અને યુદ્ધ પછીના માઇગ્રેશને આજના સમાજને કેવી રીતે આકાર આપ્યો તે વિશે શીખવું જોઈએ. બ્લેક કેરેબિયન સમુદાયના 89 ટકા લોકોએ કહ્યું હતું કે આ ઇતિહાસ શીખવવો સૌથી મહત્વપૂર્ણ છે. જાહેર જનતાના 65 ટકા અને વંશીય લઘુમતીના 71 ટકા લોકોએ 2048 સુધીમાં નેટ ઝીરો રેસિઝમ’ના વિન્ડરશ 100ના ધ્યેયને સેટ કરવામાં સમર્થન આપ્યું હતું.
કોમનવેલ્થ માઇગ્રેશનની શરૂઆત તરીકે એચએમટી એમ્પાયર વિન્ડરશ જહાંજ 1948માં કેરેબિયન દેશોના 800થી વધુ મુસાફરોને લઈને ટિલબરી ડોક્સ પર પહોંચ્યું હતું. 22 જૂન 2023ના રોજ તેની 75મી વર્ષગાંઠ પ્રસંગે સમગ્ર યુકેમાં કાર્યક્રમો યોજાશે. વિન્ડરશ 75 નેટવર્કની સ્થાપના ગયા વર્ષે લોકો અને સંસ્થાઓને એકસાથે લાવવા માટે કરાઇ હતી. ગયા વર્ષે લંડનના મેયર સાદિક ખાન સહિત ક્રોસ-પાર્ટી રાજકારણીઓએ સરકાર તથા તમામ સંસ્થાઓને આગળ આવી આ વર્ષગાંઠને એક મુખ્ય રાષ્ટ્રીય ક્ષણ બનાવવા અપીલ કરી હતી.