વિન્ડરશની 75મી એનિવર્સરીની સમગ્ર બ્રિટનમાં ઉજવણી કરાઇ હતી. ઉજવણીના ભાગરૂપે 22 જૂનની વર્ષગાંઠ નિમિત્તે સંસદના ગૃહો અને હોમ ઓફિસ સહિત 200થી વધુ સ્થળોએ વિન્ડરશ ધ્વજ ઊભો કરાયો હતો. તો લંડનના સધર્ક કેથેડ્રલ ખાતે થેંક્સગિવીંગ સર્વિસનું આયોજન કરાયું હતું. વિન્ડરશ જહાંજ સૌ પ્રથમ વખત કેરેબિયનથી લોકોને લઇને 1948માં પહોંચ્યું હતું તે ટીલબરી પોર્ટ ખાતે દિવસભરના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બર્મિંગહામ, લીડ્સ, માન્ચેસ્ટર, બ્રેડફર્ડ, બ્રિસ્ટોલ, ઇપ્સવિચ, એડિનબરા, કાર્ડિફ સહ્ત સમગ્ર દેશમાં ડઝનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
આ અઠવાડિયે સમગ્ર બ્રિટનમાં વિન્ડરશના આગમનની 75મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિન્ડરશ ધ્વજ બધા નેટવર્ક રેલ સ્ટેશનો; 20થી વધુ હોસ્પિટલો અને NHS સાઇટ્સ; લગભગ 50 સ્થાનિક કાઉન્સિલ્સ, ડઝનેક ચર્ચ, શાળાઓ, યુનિવર્સિટીઓ, થિયેટરો અને સામુદાયિક સંસ્થાઓમાં લહેરાવવામાં આવ્યો હતો. લંડન ક્રૂઝ ટર્મિનલ ખાતે મફત ઇવેન્ટ્સમાં વુડસાઇડ એકેડેમી સ્ટીલ બેન્ડ ‘વુડસાઇડ સ્ટીલ’ દ્વારા પ્રદર્શન યોજાયું હતું. નેશનલ આર્કાઇવ્ઝના વર્કશોપ અને વાર્તાલાપ સાથે કલાકાર ઇવરાઇટ દ્વારા વિન્ડરશ પ્રદર્શન અને ‘એજલેસ ટીનેજર્સ કેરેબિયન ટી ડાન્સ’ કરાયો હતો.
વિન્ડરશ 75 નેટવર્કના કન્વીનર પેટ્રિક વર્નોને કહ્યું હતું કે “વિન્ડરશ 75 એ આધુનિક બ્રિટનની વિવિધતાને ઉજવવાની તક છે. તે પ્રથમ વિન્ડરશ અગ્રણીઓના વારસાને, તેમણે જે પડકારો પર કાબુ મેળવ્યો અને તેમણે બ્રિટનમાં આપેલા યોગદાનને સ્વીકારવાનો આ સમય છે.”
રાષ્ટ્રવ્યાપી ધ્વજ ઊભા કરવાની પહેલનું સંકલન કરનાર વિન્ડરશ જનરેશન્સના ડિરેક્ટર નાઇજેલ એસ ગાયે કહ્યું હતું કે “આ વિશેષ ધ્વજ અને અન્ય ઈવેન્ટ્સ દ્વારા વિન્ડરશ જનરેશન વિશે વધુ જાગૃતિ ફેલાવતી ઘણી સંસ્થાઓને જોડાઇ તે સન્માનની વાત છે. આપણે બધા અહીં વિન્ડરશ જનરેશનના યોગદાનને સલામ કરી રહ્યા છીએ.”
થિંકટેંક બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ કહ્યું હતું કે “આ વર્ષગાંઠની ઉજવણીનો સ્કેલ આપણા ઇતિહાસને વધુ સારી રીતે સમજવાની જનતાની પ્રચંડ ભૂખ દર્શાવે છે. વિન્ડરશની વાર્તા એ સમજાવવામાં મદદ કરે છે કે શા માટે આપણો બહુ-વંશીય સમાજ આજે આવો દેખાય છે. આપણે રેસમાં 75 વર્ષમાં કરેલી પ્રગતિ પર ગર્વ અનુભવી શકીએ છીએ, પરંતુ આપણે ભવિષ્ય તરફ પણ ધ્યાન આપવું જોઈએ. વંશીય અસમાનતા પર આજે આપણે પગલાં લેવાની જરૂર છે.’’