ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણી લડશે. તેનાથી સત્તારૂઢ ભાજપ સામેના મતોનું વિભાજન અટકાવી શકશે. જોકે આમ આદમી પાર્ટી હજુ ગુજરાતમાં કોઇ ખાસ પ્રભુત્વ ધરાવતી નથી. તે છેલ્લી બે લોકસભા ચૂંટણી 2014 અને 2019માં એક પણ સીટ જીતી શકી નથી.
ભાજપે લોકસભા ચૂંટણી 2014 અને 2019માં રાજ્યની તમામ 26 બેઠકો પર કબજો જમાવ્યો હતો. AAPએ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ 13 ટકા વોટ શેર સાથે ગુજરાતમાં ખાતું ખોલાવતા 5 બેઠકો જીતી હતી.
18 જુલાઈના રોજ, AAP આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળના 26 પક્ષોના ગઠબંધન I.N.D.I.Aમાં સામેલ થઈ હતી. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.A ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. રાજ્યમાં હાલમાં કઇ બેઠકો પર કયો પક્ષ ચૂંટણી લડશે તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.A ગઠબંધન NDAને હરાવી દેશે.
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરી અને ચૂંટણી લડીશું. I.N.D.I.Aના ગઠબંધન સાથે ચૂંટણી લડાશે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે.