અમેરિકામાં પ્રેસિડન્ટપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યું છે કે તેઓ સત્તા ઉપર આવશે તો અમેરિકા પ્રત્યે નફરત ધરાવતા દેશો માટે વિદેશી સહાયના દરેક સેન્ટમાં કાપ મૂકશે. આવા દેશોમાં ચીન, પાકિસ્તાન તથા અન્ય દેશોનો સમાવેશ થાય છે,
ન્યૂ યોર્ક પોસ્ટ માટે એક ઓપેડમાં તેમણે લખ્યું છે કે “જે દેશો અમને નફરત કરે છે તેમની વિદેશી સહાય બંધ કરીશ. એક મજબૂત અમેરિકા ખરાબ લોકોને સહાય આપી શકે નહીં. અમેરિકાના લોકોના મહેનતથી કમાયેલા પૈસા વેડફી શકાય નહીં. આપણા વિશ્વાસને લાયક ફક્ત એવા નેતાઓ છે જે આપણા દુશ્મનોનો સામનો કરે અને આપણા મિત્રોની પડખે ઉભા રહે.
હેલીના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ગયા વર્ષે વિદેશી સહાયમાં $46 બિલિયન વાપર્યા હતા, જે અત્યાર સુધીમાં કોઈપણ અન્ય દેશ કરતાં વધુ છે. કરદાતાઓને એ જાણવાનો હક છે કે તે નાણાં ક્યાં જઈ રહ્યાં છે અને તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે. તેમને એ જાણીને આંચકો લાગશે કે તેનો મોટાભાગનો હિસ્સો અમેરિકા વિરોધી દેશોને સહાય આપવા માટે જાય છે.
નિક્કી હેલીએ 15 ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસ માટેના પોતાના કેમ્પેઇનનો આરંભ કર્યો હતો. હેલી હવે રીપબ્લિકન પાર્ટી તરફથી પ્રેસિડેન્ટપદની દાવેદારી માટે મેદાને પડેલા પ્રથમ ભારતીય અમેરિકન મહિલા છે. સાઉથ કેરોલાઈનાના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રોમાં અમેરિકાના એમ્બેસેડર તરીકે સેવા આપી ચૂકેલા હેલીએ પોતાની ઓળખ ભારતીય ઇમિગ્રન્ટ્સની ગૌરવશાળી પુત્રી તરીકે રજૂ કરી છે. તેઓ પોતાને રીપબ્લિકન પાર્ટીનું નવુ ભાવિ ગણે છે.
ઓપેડમાં હેલીએ ઉદાહરણો ટાંકતા જણાવ્યું હતું કે અમેરિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાનને 2 બિલિયન કરતાં વધુ ડોલર આપ્યા છે, તેમ છતાં તેની સરકાર ઈરાનના ખૂની ઠગની નજીક જઈ રહી છે જેઓ “ડેથ ઓફ અમેરિકા”ના નારા પોકારે છે અને આપણા સૈનિકો પર હુમલા કરે છે. બાઇડન વહીવટીતંત્રે પાકિસ્તાનને સૈન્ય સહાય ફરી શરૂ કરી છે, જોકે તે ઓછામાં ઓછા એક ડઝન ત્રાસવાદી સંગઠનોનું ઘર છે અને તેની સરકાર ચીન સાથે સાંઠગાંઠ ધરાવે છે.
બાઈડેનની ટીમે સંયુક્ત રાષ્ટ્રોની એક ભ્રષ્ટ એજન્સીને પાંચ મિલિયન ડોલર્સની સહાય ફરી શરૂ કરી છે. આ એજન્સીનો ધ્યેય તો પેલેસ્ટાઈનના લોકોને સહાય કરવાનો છે પણ વાસ્તવમાં એ લાભાર્થીઓ આપણા નિકટના સાથી ઈઝરાયેલ વિરોધી ઘોર અપપ્રચારમાં ગળાડૂબ છે.
ઝિમ્બાબ્વેને પણ અમેરિકાએ અધધ મિલિયન ડોલર્સની સહાય આપી છે અને એ દેશ સંયુક્ત રાષ્ટ્રોમાં સૌથી વધુ અમેરિકા વિરોધી મત આપવા માટે પંકાયેલું છે.
સામ્યવાદી ચીનને પણ અમેરિકાના કરદાતાઓના પરસેવાની કમાણીના ઢગલો નાણા હાસ્યાસ્પદ પર્યાવરણલક્ષી કાર્યક્રમો માટે આપે છે અને છતાં અમેરિકા માટે ચીન ખતરનાક હોવાનું સૌ જાણે છે. આપણે રશિયન તાનાશાહ વ્લાદિમિર પુતિનના ખાસ સાથી બેલારૂસને પણ સહાય આપીએ છીએ. અમેરિકાએ ક્યુબાને ત્રાસવાદના સહાયક દેશનો દરજ્જો આપ્યો છે અને છતાં આપણે ક્યુબાને પણ સહાય આપીએ છીએ.
જો કે, નિક્કીએ થોડું સંતુલન સાધતા કહ્યું હતું કે, આવું ફક્ત બાઈડેનના શાસનમાં નથી થયું, એ અનેક દાયકાઓથી, બન્ને પક્ષોના પ્રેસિડેન્ટ્સના શાસનમાં થતું રહ્યું છે. વિદેશોને સહાયની આપણી નીતિ ભૂતકાળમાં જ અટવાયેલી છે. એક મક્કમ નિર્ધાર ધરાવતા પ્રેસિડેન્ટ જ સહાયનો આવો વેડફાટ અટકાવી શકે.
હું આવી જ એમ્બેસેડર હતી અને હું આવી જ પ્રેસિડેન્ટ બનીશ. હું પ્રેસિડેન્ટપદની સ્પર્ધામાં એટલા માટે ઉતરી છું કે, હું અમેરિકાની શક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને લોકોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માગું છું.