એથેન્સની દક્ષિણે દરિયા કિનારે આવેલા રિસોર્ટની નજીક જંગલમાં લાગેલી આગને કારણે અસંખ્ય ઘરો અને કારનો નાશ થયો છે. સોમવારના રોજ લગોનીસી, સરોનિડા અને એનાવિસોસના દરિયાકાંઠાના રિસોર્ટ્સમાં નાટકીય દ્રશ્યો દેખાયા હતા. તેજ ગતિના પવનોથી આગની લપેટો અંદર આવી ગઈ હતી. સરોનિડાના ભૂતપૂર્વ મેયર પેટ્રોસ ફિલિપૌએ કહ્યું હતું કે “આગ સતત ભયજનક રીતે આગળ વધી રહી છે અને અત્યારે તે સરોનિડાની ઉપર છે. લોકોએ સાવધાની સાથે અને શાંતિથી આ વિસ્તારોને તાત્કાલિક છોડવા પડશે.”
ગ્રીક સત્તાવાળાઓએ સાવચેતી સાથે સ્થળાંતર કરવા આદેશો જારી કર્યા છે અને લોકો લગોનીસીમાં ઘરોમાં ફસાયેલા છે. ઇસ્ટર્ન એટિકાના કુવારસ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. જેને કારણે આ વિસ્તારમાં બીજુ ઘરો ધરાવતા એથેનિયનો પોતાની મિલકતોની તપાસ કરવા દોડી ગયા હતા. જેને કારણે ટ્રાફિકની અરાજકતામાં વધારો થયો છે. કોરીન્થ અને બોયોટિયામાં પણ આગ ફાટી નીકળતા અગ્નિશામક વિમાનો, હેલિકોપ્ટર અને ટ્રકો તૈનાત કરાઇ છે. ગ્રીસની સિવિલ પ્રોટેક્શન મિનિસ્ટ્રીએ ફાયર સર્વિસ અને અન્ય દળો સાથે ઇમરજન્સી બેઠક યોજી છે.
સ્પેનના લા પાલ્માના કેનેરી ટાપુ પર શનિવારથી શરૂ થયેલ દાવાનળ સોમવારે કાબૂ બહાર જતો રહ્યો હતો. જેમાં 11,300 એકરમાં વ્યાપેલા જંગલો અને 20 મકાનો અને ઈમારતો બળી ગયા છે.
સ્વિટ્ઝર્લૅન્ડના વેલાઈસના કેન્ટોનમાં, 200થી વધુ અગ્નિશામકોએ આખી રાત જંગલી આગની જ્વાળાઓને કાબૂમાં લેવા માટે અવિરતપણે કામ કર્યું હતું. જો કે જ્વાળાઓએ કેટલાક લોકપ્રિય પર્વતીય ગામોમાં વિલાઓને ઘેરી લીધા હતા.
ગ્રીસમાં સોમવારે લાગેલી જંગલી આગ રાતોરાત તીવ્ર બની હતી અને મંગળવારે એથેન્સની ઉત્તરે આવેલા જંગલોને ઘેરી વળી હતી. આગ એથેન્સના પ્રવાસી હોટસ્પોટથી લગભગ 18 માઇલ ઉત્તરમાં આવેલા ડેરવેનોચોરિયા વિસ્તારના જંગલમાં ભડકી હતી. સેંકડો હોલિડેમેકર્સને ભાગવાની ફરજ પડી છે. આગે દરિયાકિનારાના 7,000 એકર જમીનના ભસ્મ કરી દીધા હતા.