મેટ ઓફિસના રેડ એલર્ટ વચ્ચે યુકેમાં વરસેલી વિક્રમરૂપ ગરમીના કારણે લંડનના કેટલાક વિસ્તારોમાં દાવાનળ ફાટી નીકળતા ડઝનેક ઘરો નાશ પામ્યા હતા. રેલ્વે ટ્રેક અને રસ્તાઓની બાજુમાં ટિન્ડરબોક્સ-સૂકા ઘાસના મેદાનોમાં આગ લાગી હતી. લંડનની બહારના વિસ્તારમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 41 ઘરોને નુકસાન થયું હોવાનું મનાય છે.
લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે યુકેની રાજધાનીના ફાયરફાઇટર્સે તા. 19ના મંગળવારે બીજા વિશ્વ યુદ્ધ પછીના તેમના સૌથી વ્યસ્ત 24 કલાકનો અનુભવ કર્યો હતો. સત્તાવાર રીતે 40.3 સેલ્સીયસ તાપમાન સાથે દેશના અત્યાર સુધીના સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયેલ તા. 19ના રોજ ઇમરજન્સી સેવાઓને હીટવેવ સંબંધિત મદદ માટે સામાન્ય દૈનિક સરેરાશ 350ની સરખામણીમાં 2,600 કોલ્સ મળ્યા હતા. લંડન એમ્બ્યુલન્સ સેવાને ગરમીના સંપર્કમાં આવવાથી, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને બેહોશી સાથે સંઘર્ષ કરી રહેલા લોકો તરફથી પ્રતિ કલાક 400 કોલ મળ્યા હતા.
- ગરમીના કારણે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે પણ સંસદના સભ્યોને તેમનો ઔપચારિક પોશાક ઉતારવાની મંજૂરી આપી હતી.
- પીટરબરો નજીક આગને કારણે સિગ્નલિંગ ઇક્વિપમેન્ટ્સને નુકસાન થતાં લંડનથી ઇંગ્લેન્ડના ઇસ્ટમાં જતી ટ્રેનોને બુધવારે બપોર સુધી રદ કરવામાં આવી હતી. રેલ નેટવર્ક પર લાગેલી આગથી ટ્રેક અને ઓવરહેડ લાઇનને નુકસાન થયું હતું.
- બ્રિટનની સરકારે પર્યાવરણ પરના તેના રેકોર્ડનો બચાવ કરી નેટ ઝીરો સ્ટેટસ પર જવાના તેના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
- યુકેની હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)ના અનુસાર 2020માં હીટવેવ્સ વધારાના 2,000 લોકોના મૃત્યુનું કારણ બને છે.