ભારતમાં 9-10 સપ્ટેમ્બર 2023એ યોજાનારી જી-20 દેશોના વડાની બેઠકમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન હાજરી આપશે નહીં. અગાઉ સાઉથ આફ્રિકામાં પણ બિક્સ સમીટમાં પુતિને હાજરી આપી ન હતી અને તેમની જગ્યાએ વિદેશ પ્રધાનને મોકલ્યાં હતા. અહીં ઉલ્લેખનીય છે કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કોર્ટે પુતિન સામે વોરંટ પણ કાઢેલું છે.
ભારત નહીં આવવાના નિર્ણય અંગે રશિયાના પ્રેસિડન્ટ પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ માહિતી આપી હતી કે પ્રેસિડન્ટ પુતિને 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેવા ભારત આવવા અંગે અસમર્થતા વ્યક્ત કરી હતી.
પુતિને જણાવ્યું હતું કે આ બેઠકમાં રશિયાનું પ્રતિનિધિત્વ રશિયન ફેડરેશનના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ કરશે. વડાપ્રધાન મોદીએ રશિયન પ્રેસિડન્ટના નિર્ણય સાથે સહમતિ દાખવી જી20માં ભારતની અધ્યક્ષતાને સતત સહયોગ આપવા બદલ પુતિનનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને વડાઓએ એકબીજાના સંપર્કમાં રહેવાની સહમતિ દાખવી હતી. ચર્ચા દરમિયાન પુતિને ભારતના ચંદ્રયાન-3 અભિયાનની સફળતા બદલ વડાપ્રધાન મોદી તથા ભારતને અભિનંદન પાઠવ્યાં હતાં.