Why not yet a case of criminal liability in the Morbi disaster?
રવિવાર, 30 ઓક્ટોબર, 2022 ના રોજ મોરબીમાં મચ્છુ નદી પરનો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો .(PTI Photo)

ગુજરાતમાં ભાજપ સરકારના વહીવટનું પ્રમાણપત્ર મોરબી દુર્ઘટના છે, સરકાર આ દુર્ઘટના બાબતે જૂઠું બોલે છે અને બનાવની તપાસ માટે કોઈ એસઆઇટીની રચના કરાઈ હોય તો તેનું હજી નોટિફિકેશન પણ પ્રસિદ્ધ કરાયું નથી. મોરબી ઝુલતા પુલના ઇજારદાર કંપનીના માલિક, કલેકટર અને પ્રશાસન તંત્ર સામે હજુ સુધી કેમ ગુનાઈત જવાબદારીનો કેસ દાખલ કર્યો નથી એવો સવાલ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ ઉઠાવ્યો છે.

વડોદરામાં કોંગ્રેસના પ્રચાર અર્થે આવેલા દિગ્વિજય સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભાજપના વહીવટનો આ નમૂનો છે. સરકારની આ એક મોટી ઐતિહાસિક ભૂલ અને નિષ્ફળતા છે. સરકારે હજુ સુધી મૃતકોને યાદી જાહેર કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકતંત્રનો મુખ્ય ઉદ્દેશ પરિવર્તન છે અને મોરબી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સત્તામાં પરિવર્તન જરૂરી છે. તેમણે ભાજપના રાજમાં સરકારના મોડલને ક્રાઈમ કમિશન અને કરપ્શન સાથે સરખાવ્યું હતું.

દિગ્વિજય સિંહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડોદરાની એમએસ યુનિવર્સિટી સહિત સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં યુ.જી.સી. ની ગાઈડલાઈનનું પાલન થતું નથી. અહીંના વાઇસ ચાન્સેલર પણ યુજીસીની ગાઈડ લાઈન હેઠળ ક્વોલિફાઇડ નથી. પ્રોફેસરોની જગ્યા ખાલી છે. એક જમાનામાં પંજાબ ગેટવે ઓફ ડ્રગ્સ ગણાતું હતું, જે આજે ગુજરાત બન્યું છે. યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ ગુજરાતથી આવે છે. તેમણે ગુજરાતની ડબલ એન્જિન સરકાર ગરીબોને કચડી નાખતી સરકાર ગણાવી હતી. તેમણે આરએસએસને અન રજીસ્ટર્ડ સંસ્થા કહીને પ્રહાર કર્યા હતા. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ત્રાસવાદીઓ સાથે બિન કોંગ્રેસી સરકારો એ જ સમાધાન કર્યું છે. સ્માર્ટ સિટીનો કન્સેપ્ટ મને હજી સુધી સમજાયો નથી, સ્માર્ટ સિટીમાં અર્બન પ્લાનરને ફાયદો થયો છે જ્યારે ગરીબોના હિતો માટે કોઈ કામ થયું નથી એમ તેમણે એક સવાલના પ્રત્યુતરમાં કહ્યું હતુ.

LEAVE A REPLY