ડો. યુવા અય્યર
આયુર્વેદિક ફિઝિશિયન
વજન ઉતારવા માટે પ્રયત્નશીલ વ્યક્તિઓને શિયાળામાં વજન ઉતારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે રીતે પાણીમાં તરવા માટે બળની જરૂર પડે છે પરંતુ જો ધસમસતા પ્રવાહની સામેની તરફ તરીને જવું હોય તો જેમ વધુ બળ વાપરવું પડે છે તેવી જ રીતે શિયાળાની ઠંડી ઋતુમાં ડાયેટીંગ પર આધાર રાખી વજન ઉતારવું અઘરું થઇ જાય છે. ઋતુઓનાં બદલાવની સાથે જેમ તાપમાનમાં હવાની આદ્રતા-શુષ્કતા, સૂર્યના કિરણોથી પ્રખરતા – મંદતા માં બદલાવ આવે છે, તેવી જ અસર ઋતુ બદલાવની સાથે માનવ શરીરમાં પણ થાય છે.
બહારના ઠંડા વાતાવરણની સાથે અનુકૂલન સાધવા મથતાં શરીરના પ્રયત્નના પરિણામે ભૂખ વધુ લાગે છે. શરીરને વધુ ઉર્જા અને શક્તિની જરૂર પડે છે. શિયાળામાં પાચન સુધરે છે. પરિણામે ખોરાકનું પ્રમાણ સહજ રીતે વધી જાય છે. આવી કુદરતની અસરને ધ્યાનમાં રાખીને પરંપરાગત રીતે શિયાળા દરમિયાન વિવિધ પાક જેવા કે અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક, ખજૂરના લાડુ, પેદ વગેરે ખાવાનો રિવાજ છે. આ બધા પાકની અસરથી શિયાળાને કારણે અનુભવાતી રુક્ષતા ઓછી થાય છે. પાચન સુધરે છે. પોષણ અને બળ મળે છે અને તેથી જ વડીલો ઘરમાં યુવાનોને અને બાળકોને આવા પાક ખાવા માટે આગ્રહ કરતા હોય છે.
પરંતુ ઘી, ગોળ કે સાકર જેમાં વધુ પ્રમાણમાં છે એવા પાકનો ઉપયોગ ડાયટિંગ કરતાં હોય તેઓએ ટાળવો પડે છે. એક તરફ વજન ઉતરતું ઓછું થઇ જાય છે અને બીજી તરફ સ્વાસ્થ્યવર્ધક ખાન-પાનના પ્રલોભનો! શું કરવું?
જેઓને વજન ઉતારવા માટે વધુ સ્ટ્રીક્ટ ડાયેટ પર રહેવું આવશ્યક છે, તેઓ જે ડાયેટ ઉનાળા કે ચોમાસામાં લઇ રહ્યાં હતાં, તે જ ડાયેટ શિયાળામાં લેશે તો અનુકૂળ નહીં રહે. શિયાળાના સૂકા હવામાનની લુખ્ખાશને કારણે કુદરતી રીતે વાયુ વધુ કાર્યશીલ હોય છે. જેમ અગ્નિને પવન ઓલવી નાખે છે. તેમ શરીરમાં વાયુ દોષ વધી જવાથી ધાતુ-પાક – મેટાબોલિઝમની પ્રક્રિયા મંદ થઇ જાય છે. જેની આડઅસર વજન ઉતારવાની પ્રવત્તિ પર પણ પડે છે. વજન ખૂબ જ ધીમે ધીમે ઘટે છે તો ક્યારેક ઉતરતું અટકી જાય છે.શિયાળાના તાપમાન, હવામાનને ધ્યાનમાં રાખીએ તો આ ઋતુ દરમિયાન શરીરને વધુ ઉર્જા આપે, સ્નિગ્ધતાના- ચીકાશ આપે, ગરમાવો આપે તેવો ખોરાક યોગ્ય રહેશે.
પરંપરાગત રીતે લેવાતાં પાકમાં ઘીની સ્નિગ્ધતા, અડદ, ગોળ, મેથી, સૂકામાવા વગેરેની પૌષ્ટિકતા તથા તેજાનાથી મળતાં ગરમાવાની અસરથી શરીરને પોષણ અને બળ મળે છે.
આયુર્વેદિય દૃષ્ટિકોણથી બળ શબ્દને માત્ર પાવર માટે વાપરવામાં આવતો નથી.
• શરીરના ઓજને બળ કહેવાયું છે. ઓજોબળ – ઇમ્યુનિટી એટલે શરીરની સ્વયંની રક્ષા કરવાની શક્તિ. એવા ખાનપાન કે જેથી શરીરબળવાન બને તેવા ખાનપાન, સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુમાં લેવાનું આયુર્વેદમાં વિધાન છે. શરીરમાં મેધ્ધાતું વધુ પ્રમાણમાં છે. શરીરની સ્થૂળતા દૂર કરવાની જરૂર હોય ત્યારે વધુ માત્રામાં ઘી, ગોળ કે ખાંડ લેવું યોગ્ય નથી.
• પરંતુ સૂકોમેવો જેવા કે બદામ, શીંગ, તલ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ, ખજૂર, અંજીર, જરદાલું જેવા કોઇ પણ જાતની અન્ય મેળવણી કે કુકીંગ વગર ખાઇ શકાય છે. જેનો ઉપયોગ કરી શકાય.
• શિયાળામાં મળતી પાલક, મેથીની ભાજીને તુવેરી દાળ, મગની દાળ સાથે બાફી મરીમસાલાં, કચુંબર સાથે લઇ શકાય.
• પાલક, ગાજર,, ટેમેટા, લીલી ડુંગળી, લીલું લસણ, તજ, લવિંગની ભુક્કી, સિંધવ ઉમેરી ક્રેશ કરી ગાળ્યા વગર જ મરી ઉમેરી પી શકાય, પાચન લાંબા સમયે થાય છે. જેથી વારંવાર ભૂખ લાગી જતી નથી. રેસાઓ પાચનમાં મદદ કરે છે. મળ સાફ લાવે છે.
• ગળ્યો રસ છયે – ખારા, ખાટા, તીખા, તૂરા, કડવા અને ગળ્યા પૈકી સૌથી બળવર્ધક – ઓજસ્કર છે. તેથી આયુર્વેદ બળ વધારવા મધુર રસના ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવાનું સૂચવે છે.
• ગળ્યો રસ માત્ર ઘી-ગોળની મીઠાઇઓમાં જ હોય તેવું નથી. કુદરતી રીતે જ મીઠાં ગાજર, શક્કરીયા, ખજૂર, અંજીરને કાચા કે પછી કંદને બાફીને ખાઇ શકાય.
• ગરમાવો મેળવવા આદુનો રસ, સૂંઠ, ગંઠોડા – એલચીનો ઉકાળો કરીને થોડું મધ ભેળવીને પી શકાય.
આમ શિયાળામાં વજન ન વધે તે રીતે વસાણાં, વિવિધ પાકમાંથી મળતાં ગુણોને થોડી જાગૃતિ અને ઉત્સાહથી અન્ય રીતે પણ મેળવી શકાય.