ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના વર્ક કલ્ચર અંગે રાધિકા મદાને કરેલી ટિપ્પણીથી એકતા કપૂર ખૂબ નારાજ હોવાનું કહેવાય છે. બિગ બજેટ ફિલ્મોમાં એન્ટ્રી મળતા પહેલા રાધિકાએ કેટલાક વર્ષો સુધી ટીવી એક્ટર તરીકે કામ કર્યું હતું. એક ઈન્ટરવ્યૂ દરમિયાન રાધિકાએ જૂના દિવસો યાદ કરતાં જણાવ્યુ હતું કે, ડેઈલી સિરિયલ માટે 48-50 કલાકની શિફ્ટમાં કામ કરવું પડતું હતું.
ડાયરેક્ટર્સ છેલ્લી ઘડીએ ફેરફાર કરી દેતા હતા અને સ્ક્રિપ્ટ ક્યારેય એડવાન્સમાં મળતી ન હતી. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ક્વીન ગણાતી એકતા કપૂરને રાધિકાનું આ નિવેદન પસંદ આવ્યું નથી. જેવી રીતે રાધિકાએ એકતાનું નામ આપ્યા વગર ઈન્ડસ્ટ્રીની ટીકા કરી હતી, તેવી રીતે એકતાએ પણ રાધિકાનું નામ લીધા વગર જવાબ આપ્યો છે. એકતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, એક્ટર્સ તેમના મૂળિયાને ભૂલી જાય છે અને તેનો આદર કરતા નથી, જે અત્યંત શરમજનક છે. ઉલ્લેખનીય છે કે, રાધિકાએ 2014માં એકતા કપૂરની ટીવી સિરિયલથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યુ હતું. 2018માં પટાખા ફિલ્મથી તેણે મોટા સ્ક્રિન પર એન્ટ્રી મેળવી હતી. 2020માં ઈરફાન ખાન સાથે અંગ્રેજી મિડિયમના કારણે તે જાણીતી થઈ હતી.