હાઇપ્રોફાઇલ વ્યક્તિ સાથે ઠગાઈ કરનારા સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના જામીનનો વિરોધ કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ગુરુવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આકરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટે આ કેન્દ્રીય તપાસ એજન્સીને વેધક સવાલ કર્યો હતો કે તમે અત્યાર સુધી અભિનેત્રીની ધરપકડ શા માટે કરી નથી. જેકલીને અગાઉ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.
કોર્ટે તપાસ એજન્સીને સવાલ કર્યા હતા કે “અન્ય આરોપીએ જેલમાં છે ત્યારે તમે એલઓસી જારી કરવા છતાં હજુ સુધી જેકલીનની ધરપકડ કેમ નથી કરી. તમે પસંદગીના પગલાં શા માટે લો છો.
મહાઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા ₹રૂ. 200 કરોડની ખંડણીના કેસ સાથે જોડાયેલા આરોપોનો સામનો જેક્લીન ફર્નાન્ડીઝને કરવો પડી રહ્યો છે. અભિનેત્રીને જામીન મળવા સામે કોર્ટમાં ઈડીની મુખ્ય દલીલો એ હતી કે તેને દેશમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, તેને તપાસકર્તાઓને સહકાર આપ્યો ન હતો અને તે ગંભીર આરોપોનો સામનો કરી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે “અમે અમારી આખી જીંદગીમાં ₹50 લાખ રોકડમાં જોયા નથી પણ જેક્લીને મોજમસ્તી માટે ₹7.14 કરોડ ખર્ચી નાખ્યા હતા. તે છટકી જવા માટેની અત્યાર સુધીની દરેક યુક્તિ અજમાવી ચુકી છે કારણ કે તેણી પાસે ભરપુર પૈસા છે,” ઉલ્લેખનીય છે કે જેકલીન ફર્નાન્ડીઝનું નામ ઈડીની ચાર્જશીટમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેકર સામે ખંડણીના કેસમાં આરોપી તરીકે રાખવામાં આવ્યું છે. અભિનેત્રી પર સુકેશ ચંદ્રશેકર પાસેથી મોંઘી ભેટો લેવાનો આરોપ છે. સુકેશ ચંદ્રશેખરે સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓ પાસેથી કરોડોની ઉચાપત કરી હતી અને હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે. જેક્લીન અને સુકેશ વચ્ચે સુવાળા સંબંધો હોવાની ચર્ચા છે.