‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ગડાની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલા દિલીપ જોષીએ એક મીડિયા મુલાકાતમાં પોતાનાં સંઘર્ષનાં દિવસો યાદ કર્યા હતા. એક ઇન્ટર્વ્યૂમાં તેમણે કારકિર્દીનાં પ્રારંભનાં દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2007માં તેમની પાસે કોઈ કામ નહોતું. એ વર્ષે હું જે નાટક કરતો હતો તે બંધ થઈ ગયું. એક શો ચાલતો હતો તે પણ બંધ થઈ ગયો. એ એવો સમય હતો જ્યારે મારી પાસે કોઈ કામ નહોતું. કોઇનો ફોન પણ નહોતો આવતો.
મારા બે બાળકો હતા અને પરિવારનું ગુજરાન ચલાવવાનું હતું. બાળકોની ફી ભરવાનું પણ મુશ્કેલ થતું હતું. આ દરમિયાન મને ‘કોમેડી સર્કસ’ની ઓફર આવી હતી. આ શોમાં અશ્લીલ કોમેડી થતી હતી. નિર્માતા મને સારા પૈસા આપતા હતા પણ હું ક્યારેય એવું કામ નહોતો કરવા ઇચ્છતો, જ્યાં મારો પરિવાર સાથે બેસીને ન જોઈ શકે. મારા બાળકોએ મારું કામ જોવું જોઇએ. તેમને મારા પર ગર્વ થવો જોઇએ. એટલાં માટે મેં કોમેડી સર્કસની ઓફર ફગાવી હતી. તે ઓફર ફગાવ્યા પછી દોઢ મહિનામાં જ મને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ઓફર આવી હતી.