(ANI Photo)
મૂળ ગુજરાતી અભિનેતા જેકી શ્રોફ અત્યારે અલગ કારણથી ચર્ચામાં છે. તેમણે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની મંજૂરી વગર તેમના નામ, ફોટો, અવાજ અને ‘ભિડુ’ શબ્દનો ઉપયોગ કરનાર વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસ એવા સંગઠનો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે જેઓ જેકી શ્રોફનો ઉપયોગ તેની મંજૂરી વગર બિઝનેસના લાભ માટે કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોર્ટ ટૂંક સમયમાં આ મામલે પોતાનો ચુકાદો આપશે જેથી અભિનેતા પોતાના પ્રચાર અધિકારોનું રક્ષણ કરી શકે.
દિલ્હી હાઇકોર્ટમાં જેકી શ્રોફ તરફથી ઉપસ્થિત રહેલા એડવોકેટ પ્રવીણ આનંદે જણાવ્યું હતું કે જેકી શ્રોફના નામ, તસવીર, અવાજ અને ચારિત્ર્યનો દુરુપયોગ કરીને તેમના અસીલના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરને આવા જ એક કેસમાં રાહત આપી છે. આવું કંઇ પ્રથમવાર નથી થઇ રહ્યું કે કોઇ અભિનેતાએ અંગત બાબત અને પબ્લિસિટી રાઈટ્સ માટે કોર્ટ પાસે મદદ માગી હોય.
અગાઉ, પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને લોકોને તેમની નકલ કરતા અને તેમની મંજૂરી વગર તેમના અવાજનો ઉપયોગ કરતા અટકાવવા મુંબઈ હાઈકોર્ટમાં અરજ કરી હતી. બીજી તરફ, ગત વર્ષે અનિલ કપૂરે પણ પોતાના વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં ગયા હતા અને આ વર્ષે જાન્યુઆરીમાં તેમની તરફેણમાં કેસનો ચુકાદો આવ્યો હતો. જેમાં તેણે ‘ઝકાસ’ શબ્દ સાથે તેના કેચફ્રેઝ, તેનું નામ, અવાજ, બોલવાની રીત, તસવીર, સમાનતા અને બોડી લેંગ્વેજની સામે સુરક્ષાની માગ કરી હતી. તેમણે કહ્યું કે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
જેકી શ્રોફ છેલ્લે રજનીકાંતની ફિલ્મ ‘જેલર’માં જોવા મળ્યા હતા. તેમની રોમેન્ટિક જોડી OTT પ્લેટફોર્મ પર પણ જોવા મળી હતી. તે નીના ગુપ્તા સાથે ‘મસ્તી મેં રહેને કા’માં જોવા મળ્યા હતા. જેકી શ્રોફે હીરો, તેરી મહેરબાનીયાં, રામ લખન, બોર્ડર જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.

LEAVE A REPLY