(ANI Photo)

ઘણા લાંબા સમય પછી એક સમયની ગ્લેમરસ અભિનેત્રી આયેશા ઝુલ્કાએ વેબસીરિઝથી આ ક્ષેત્રમાં ફરીથી પદાર્પણ કર્યું છે. તે છેલ્લે 2022માં તનુજા ચંદ્રાની સિરીઝ ‘હશ હશ’માં દેખાઈ હતી. તેણે થોડા સમય પહેલાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હેપી ફેમિલી–કન્ડિશન્સ એપ્લાય’માં કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઝુલ્કાએ સફળ કારકિર્દી પછી અચાનક બોલીવૂડ છોડી દીધું હતું.

તાજેતરમાં તેણે એક મીડિયા ઇન્ટર્વ્યૂમાં બોલીવૂડ છોડવાના કારણો અંગે ખુલ્લા મને વાતો કરી હતી. આયેશાએ બોલીવૂડને ઘણી હિટ ફિલ્મો આપી હતી. એ પછી આમિર ખાન સાથેની ‘જો જીત વહી સિકંદર’ હોય કે અક્ષયકુમાર સાથેની ‘ખિલાડી’. જોકે, આયેશાએ જણાવ્યું હતું કે, તેની મોટાભાગની ભૂમિકા લગભગ એક સમાન હતી. જેમાં તેણે ગ્લેમરસ અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. અધવચ્ચે બોલિવૂડ છોડી દેવાના નિર્ણય અંગે આયેશા ઝુલ્કાએ જણાવ્યું હતું કે, “એ સમજી વિચારીને લેવાયેલો નિર્ણય હતો. હું કોઇ પણ પ્રોજેક્ટ સાથે જોડાઉં ત્યારે મારા કામથી તેના મૂલ્યમાં ઉમેરો કરવો જરૂરી હોવાનું હું માનતી હતી. જોકે, એ ત્યારે જ શક્ય બને જ્યારે મને મારી ટેલેન્ટ દર્શાવવાની તક મળે. એવું થતું ન હતું અને મારો ઉપયોગ પ્રોજેક્ટમાં એક ચીજ તરીકે થતો હતો. એટલે મને આવા કામ માટે સમય આપવાનું યોગ્ય ન જણાયું. મારે એવી ભૂમિકાઓ માટે ઇનકાર કરવો પડ્યો. દરેક અભિનેત્રી આગળ થવા ઇચ્છતી હોય છે. તે તેની અભિનય કુશળતાથી વિખ્યાત થવા ઇચ્છે છે, માત્ર ગ્લેમરસ રોલથી નહીં. મારે પણ એ જ જોઇતું હતું. હું બોલીવૂડમાં આવી ત્યારે મેં ભજવેલી ભૂમિકાના નામ જુદા હતા, પણ પાત્ર લગભગ એક સરખા હતા.”

આયેશાએ વધુમાં જણાવ્યું હતું કે, “મને જે રોલ ઓફર કરવામાં આવ્યા હતા તેની સામે મને વાંધો ન હતો પણ મને એવું લાગતું હતું કે હું એક જ પ્રકારની ફિલ્મો કરી રહી છું. એ જ ગીતો, ડાન્સ અને હીરો સાથે રોમાન્સ. તમે બોલિવૂડમાં નવા હોવ ત્યારે ગ્લેમરસ ભૂમિકા સામે કોઈ વાંધો હોતો નથી, પણ અભિનયના અનુભવ સાથે દરેક અભિનેતા તેની અભિનય ક્ષમતાથી ઓળખાવા ઇચ્છે છે. હું જે પ્રકારનું સિનેમા કરતી હતી તેનાથી મને સંતોષ ન હતો. હું એવા કામ માટે આતુર હતી જે મારી ક્ષમતાઓને ન્યાય આપે. એવું થતું ન હતું. એટલે અભિનયમાંથી બ્રેક લઈ અન્ય બાબતો માટે સમય આપવો એ વિચારીને લેવાયેલો નિર્ણય હતો.”

 

LEAVE A REPLY