બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી-બચ્ચનને એક આદર્શ દંપત્તી માનવામાં આવે છે. તેમના અંગે અનેકવાર ચર્ચાઓ થઈ ચૂકી છે. અમિતાભ અને જયા બચ્ચન બંને વર્ષ 1971માં ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘ગુડ્ડી’ના સેટ પર પ્રથમવાર એકબીજાને મળ્યા હતા અને આ મુલાકાત સમય જતાં પ્રેમમાં પરિણમી હતી. 1973માં તે બંનેએ લગ્ન કર્યા હતા અને આગામી વર્ષે તેમના લગ્નને 50 વર્ષ પણ પૂરાં થઈ જઈ રહ્યા છે. સમયાંતરે અમિતાભ પોતાના જીવન વિશેની અનેક જાણી-અજાણી વાતો ચાહકો માટે જાહેર કરતાં રહે છે.
તાજેતરમાં અમિતાભ બચ્ચને તેમના શો ‘કૌન બનેગા કરોડપતિ’ના એક એપિસોડમાં તેમણે લગ્ન માટે જયા બચ્ચનને કેમ પસંદ કર્યા તે અંગે રહસ્ય ખોલ્યું હતું. એક સ્પર્ધકના લાંબા વાળના વખાણ કરવાની સાથે અમિતાભે કહ્યું હતું કે, તમારા વાળ ખરેખર સુંદર છે. મારા લગ્નની વાત કરું તો, જયાને પસંદ કરવા પાછળનું એક કારણ એ પણ હતું કે, તેના વાળ ખૂબ જ લાંબા હતા.
80 વર્ષના અમિતાભ બચ્ચનની પાંચ ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ છે. પાંચમી ફિલ્મ ‘ઊંચાઈ’ અત્યારે થિયેટરોમાં દર્શાવવામાં આવી રહી છે. બોલીવૂડમાં સતત ફ્લોપ જઈ રહેલી ફિલ્મો વચ્ચે રાજશ્રી પ્રોડક્શન્સની ઓછાં શો સાથે ફિલ્મ રિલીઝ કરવાની સ્ટ્રેટેજી સફળ સાબિત થઈ છે. ફિલ્મના મોટાભાગના શો હાઉસફૂલ જઈ રહ્યા છે. મિત્રતા, પ્રેમની સાચી પરિભાષા સમજાવતી આ પારિવારિક ફિલ્મમાં એક સુંદર મેસેજ પણ છે. જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ફિલ્મને વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી મળી રહી છે. ઝુંડની નિષ્ફળતા પછી અમિતાભની આ ફિલ્મ સફળ થઇ રહી છે.