ભારતના જાણીતા અને વિવાદાસ્પદ રીયાલિટી શો ‘બિગ બોસ’ની કુલ 17 સીઝન પૂર્ણ થઇ છે. આ શોનો એક મોટો ચાહક વર્ગ છે. લોકો આ શોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. સીઝન 17માં મુનાવર ફારુકી વિજેતા થયો હતો. આ સ્પર્ધામાં અંકિતા લોખંડેનું નામ પણ મોખરું હતું.
છેલ્લા 16 વર્ષમાં આ શો અનેક રીતે વિવાદમાં રહ્યો હતો. આ રીયાલિટી શોમાં દર વર્ષે જુદા જુદા લોકો વિજેતા બને છે. કુલ 16 સીઝનમાં વિજેતા બનેલા આ શોના વિજેતાઓની અહીં યાદી રજૂ કરવામાં આવી છે.
બિગ બોસમાં મોટેભાગે કોઈ વિવાદમાં રહેલા અથવા પ્રખ્યાત ફિલ્મ-ટીવી અભિનેતાઓ અને સેલેબ્રિટીઝ આવે છે, શોમાં ભાગ લેનારા દરેક સેલેબ્રિટીઝે અમુક દિવસો સુધી એક ઘરમાં રહીને જુદા જુદા કામ કરવાના હોય છે.
1990ના દસકામાં આશિકી ફિલ્મથી જાણીતા બનેલા અભિનેતા રાહુલ રોય બિગ બોસની પ્રથમ સીઝનના વિજેતા હતા. તેમ જ બીજી સિઝનમાં અભિનેતા આશુતોષ કૌશિક વિજેતા રહ્યો હતો. આશુતોષ કૌશિકે રોડીઝમાં પણ વિજેતા થયો હતો. ત્રીજી સીઝનમાં રામાનંદ સાગર કૃત રામાયણ સીરિયલમાં હનુમાનની ભૂમિકા ભજવનાર દારા સિંઘના અભિનેતા પુત્ર વિંદુ દારા સિંઘ પણ જોવા મળ્યા હતા, જેમાં તેઓ વિજેતા પણ બન્યા હતા.
બિગ બોસની ચોથી સીઝનમાં પોતાના દેખાવ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહેતી શ્વેતા તિવારી વિજેતા બની હતી. પાંચમી સીઝનમાં અનેક ટીવી સિરિયલમાં કામ કરી ચૂકેલી જુહી પરમાર, છઠ્ઠી સિઝનમાં ગુજરાતી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા, સીઝન સાતમાં મોડેલ ગૌહર ખાન, આઠમી સીઝનમાં અભિનેતા ગૌતમ ગુલાટી, સીઝન નવમાં પ્રિન્સ નરૂલા, દસમી સીઝન માનવીર ગુર્જર વિજેતા રહ્યા હતા. સીઝનમાં 11માં શિલ્પા શિંદે, 12માં દીપિકા ક્કકર, 13માં સિદ્ધાર્થ શુક્લ, 14માં રુબિના દિલાઇક, 15માં તેજસ્વી પ્રકાશ, 16માં સંગીતકાર એમસી સ્ટેન વિજેતા થયા હતા.