ગયું વર્ષ બોલીવૂડ માટે ખૂબ જ નિરસ રહ્યું હતું. અક્ષયકુમાર જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો પણ ફ્લોપ ગઇ હતી. ગત વર્ષે માત્ર કાર્તિક આર્યન, અજય દેવગન અને રણબીર કપૂર હિટ ફિલ્મો આપી શક્યા હતા. હવે નવા વર્ષમાં બોલીવૂડના ધૂરંધરોની જેમ સામાન્ય ફિલ્મરસીકોના મનમાં પણ એવો પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે કે, આ વર્ષે કયા કલાકાર અને કોની ફિલ્મ હિટ થશે. શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ આ વર્ષની શરૂઆતમાં રીલીઝ થઇ છે અને તે સુપર-ડુપર હિટ થઇ. તેથી ફિલ્મકારોને નવા વર્ષમાં ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાની આશા છે.
સલમાન ખાન
57 વર્ષની ઉંમરે પણ પોતે દર્શકોના દિલો પર રાજ કરે છે એવું સાબિત કરવા સલમાન આ વર્ષે કેટરીના કૈફ સાથે પોતાની ‘ટાઇગર- થ્રી’ ફિલ્મને લાવી રહ્યો છે. એ સિવાય તેની ફિલ્મ ‘કિસી કા ભાઇ, કિસી કી જાન’ ઇદના દિવસે રિલીઝ થશે. આ ઉપરાંત તે ‘કિક’, ‘દબંગ’ અને ‘નો એન્ટ્રી’ની સિકવલ્સની પણ તૈયારી કરી રહ્યા છે.
શાહરુખ ખાન
છેલ્લાં ચાર વર્ષથી એસઆરકે મોટા પડદા પર જોવા મળ્યા નહોતો. તેની ફિલ્મ ‘પઠાણ’ની અકલ્પ્ય સફળતાએ સૌને સ્તબ્ધ કર્યા છે. રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘દુન્કી’માં તે તાપસી પન્નુ સાથે જોવા મળશે.
અજય દેવગન
‘રન-વે-34’ જેવી ફ્લોપ ફિલ્મ પછી અજયે ‘દૃશ્યમ’ જેવી મેગા હિટ આપીને 2022માં પોતાનું કૌવત ફરી પુરવાર કર્યું. હવે 2023માં એની પ્રથમ ફિલ્મ હશે ‘મૈદાન’. ત્યારપછી દેવગન ‘દૃશ્યમ’ની કો-સ્ટાર તબુ સાથે ‘ભોલા’માં જોવા મળશે. ઉપરાંત તેણે રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ ફ્રેન્ચાઇસીની નેકસ્ટ ફિલ્મ માટે પણ હા કહી છે.
રણબીર કપૂર
રણબીરે ‘શમશેરા’ જેવી બકવાસ ફિલ્મ આપીને પોતાના ચાહકોને નિરાશ કર્યા હતા. પછી અયાન મુખરજીની મેગા બજેટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ દ્વારા આલિયા ભટ્ટ સાથે બોક્સ-ઓફિસ પર સફળતા મેળવીને એણે પોતાનું ખાતું 2022માં સરભર કરી લીધું. 2023માં રણબીર લવ રંજનની ફિલ્મ ‘તું જુઠા મૈં મક્કાર’માં પહેલીવાર શ્રદ્ધા કપૂર સાથે આવી રહ્યો છે. આ નવી જોડી પડદા પર કેવો જાદુ પાથરે છે એ જોવાનું રસપ્રદ રહેશે. એ ઉપરાંત તે સંદીપ રેડ્ડી વાન્ગાના ક્રાઇમ ડ્રામા ‘એનિમલ’માં એ રશ્મિકા મંદાના સાથે જોડી જમાવશે. ફિલ્મમાં અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે.
કાર્તિક આર્યન
2022માં કાર્તિક આર્યને ‘ભૂલભૂલૈયા-2’ જેવી મેગા હિટ આપી બોલીવૂડને નિરાશ થતાં અટકાવ્યું હતું. કાર્તિત આર્યનની ઓટીટી પર સીધી રિલીઝ થયેલી ‘ફ્રેડી’ને પણ ઠીક ઠીક રિસ્પોન્સ મળ્યો છે. એ જોતાં 2023માં એની પાસેથી ઘણી બધી આશા રખાય છે. બોક્સ-ઓફિસ પર કાર્તિક ફરી ચમત્કાર કરે તો નવાઇ નહીં. નવા વર્ષમાં એ રોહિત ધવન દિગ્દર્શિત એકશનથી ભરપૂર ફેમિલી ડ્રામા ફિલ્મ ‘શેહઝાદા’માં પોતાની ‘લુક્કાછુપ્પી’ની હિરોઇન ક્રિતિ સેનન સાથે આવી રહ્યો છે. ફિલ્મના ટીઝરને મળેલા રિસ્પોન્સ પરથી લાગે છે કે આર્યન આ વર્ષ પણ બોક્સ-ઓફિસનો શેહઝાદા બની રહેશે. આ ઉપરાંત તે કિયારા અડવાણ સાથે રોમાન્ટિક ડ્રામા ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે. ‘ભૂલભૂલૈયા-2’ પછી કાર્તિકની કિયારા સાથેની આ બીજી ફિલ્મ છે. હિટ ફ્રેન્ચાઇઝી ‘આશિકી’ના ત્રીજા ભાગમાં પણ કાર્તિક છે, જેનું ડિરેક્શન અનુરાગ બાસુને સોંપાયું છે. એ ઉપકાંત કાર્તિકના ખિસ્સામાં કબીર ખાનની મોટા બજેટની ફિલ્મ પણ છે.