વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોના વાઇરસની ફાઇઝર-બોયોએનટેકની વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને ગુરુવારે મંજૂરી આપી હતી. તેનાથી આ વેક્સિસને ઝડપથી મંજૂરી અને વિતરણમાં વિશ્વભરના દેશો માટેનો માર્ગ મોકળો થયો છે.
બ્રિટનમાં આઠ ડિસેમ્બરે ફાઇઝરની વેક્સિન લગાવવાની શરૂઆત થઈ હતી. અમેરિકા, કેનેડા અને યુરોપિયન યુનિયનને પણ આ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપેલી છે.
WHOએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા કોરોના મહામારી ચાલુ થયા બાદ ફાઇઝરની વેક્સિન એવી પ્રથમ વેક્સિન છે કે જેને ઇમર્જન્સી વેલિડેશન આપવામાં આવ્યું છે. WHOના ટોચના અધિકારી મેરિન્ગેલા સિમાઓએ જણાવ્યું હતું કે કોવિડ-19ની વેક્સિનના વૈશ્વિક વિતરણ માટેનું આ પ્રથમ હકારાત્મક પગલું છે. ઇમર્જન્સી ઉપયોગની મંજૂરીથી વિશ્વના જુદા જુદા દેશો માટે આયાત અને વિતરણ કરવાનો માર્ગ મોકળો થશે.