કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ભારત સરકારે લોકડાઉનની જે જાહેરાત કરી છે તેના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ વખાણ કર્યા છે. સાથે તેણે એમ પણ કહ્યું છે કે આ માત્ર એક પગલું છે, હજુ વધારે કડક પગલા લેવા પડશે.
કોરોના મહામારીએ દશભરમાં પોતાની અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. ભારતમાં હાલ તે બીજા સ્ટેજમાં ચાલી રહી છે. ત્રીજા સ્ટેજમાં ન પ્રવેશવા માટે ભારતે 21 દિવસના લોકડાઉન જેવા કડક પગલાને ઉઠાવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતના આ પગલાના વખાણ કર્યા છે. કહ્યું કે ભારતે ઝડપથી દેશને લોકડાઉન કર્યો તે એ સારું પગલું છે. આ સાથે બીજા પણ નિર્ણયો કરવા પડશે, માત્ર લોકડાઉનથી જોખમ ટળશે નહીં.
WHOના ચેરમેન ડો. ટ્રેડોસે કહ્યું કે ભારત પાસે કોરોનાને હરાવવાની ક્ષમતા છે અને તે સારી વાત છે. ભારતે વહેલા ધોરણે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જે દેશોએ શરૂઆતમાં જ કડક નિર્ણયો નથી લીધા અને સાવધાની નથી રાખી તે દેશમાં ખરાબ અસર જોવા મળી રહી છે.
WHOના ડો. રેયાને કહ્યું કે લોકડાઉન સારું પગલું છે, પરંતુ ભારતે આગળ પોઝિટિવ કેસોને શોધવા પડશે. પીડિત વ્યક્તિના સંપર્કમાં જે પણ આવ્યા છે તેઓને અલગ કરવા પડશે. જો આવું થઈ જશે તો કોરોના વાઈરસને આગળ વધતો અટકાવી શકાશે. તમણે એ વાતને પણ ફરી કહી હતી કે ભારતે પોલીયોથી છૂટકારો મેળવ્યો છે તેમ કરોના વાઈરસમાં પણ કમાલ કરશે.
ચીન અને સિંગાપુર મોડલ શું છે?
લોકડાઉનને લઈને ડો. મારિયા વેને કહ્યું કે એવું નથી કે તમે લોકડાઉન કરીને તેનાથી છૂટકારો મેળવી લેશો, આગળ તમારે તમારા પ્લાનમાં સતત ફેરફાર કરતો રહેવો પડશે અને જ્યાં વધારે કેસ છે તે સાવધાની રાખવી પડશે. આવામાં ચીન અને સિંગાપુરનું મોડલ અપનાવી શકાશે. કારણ કે ત્યા અલગ અલગ ક્ષેત્રમાં ઘણા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. ચીન દ્વારા કોરોના વાઈરસનો ફેંલાવો જે વિસ્તારમાં જે માત્રામાં હતો તે પ્રમાણે કડક નિર્ણયો લીધા હતા. દરેક ક્ષેત્રમાં એક સમાન નિર્ણયો થોપી દીધા ન હતા. વિશ્વભરના એક્સપર્ટનું માનવું છે કે સોશિયલ ડિસ્ટંસથી જ તેના પર કાબૂ મેળવી શકાય છે. લોકડાઉનની જાહેરાત સમયે પ્રધાનમંત્રી મોદીએ પણ આ વાત કરી હતી.