ક્રિકેટ, બોલીવૂડ અને પોલિટિક્સ વચ્ચેના સંબંધો કંઈ નવા નથી. ઘણીવાર નેતા અને અભિનેત્રી વચ્ચે દિલ સે દિલના કનેક્શન જોડાઈ જાય છે. તો ક્રિકેટર કે અન્ય સ્પોર્ટસસ્ટારના અભિનેત્રીઓ સાથેના સંબંધો પણ જગજાહેર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર પરિણિતી ચોપરાની તસવીરો વાઇરલ થઇ છે. તે થોડા દિવસ અગાઉ માયાનગરી મુંબઈમાં આમ આદમી પાર્ટીના જાણીતા યુવા નેતા અને પંજાબથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી હતી અને બસ ત્યારથી જ બંને વચ્ચેના ઇલુ…ઇલુ…ની ચર્ચાઓ થઇ રહી છે. બોલીવૂડ અને પોલિટિક્સ સર્કલમાં એવી અટકળો વ્યક્ત કરાઈ રહી છે કે શું પરિણિતી અને રાઘવ એકબીજાને ડેટ કરી રહ્યા છે?
જોકે, આ અંગે કંઈપણ કહેવું જરા વધારે પડતું જ વહેલું છે, પરંતુ અહીં એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને એકસાથે ‘ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ એચિવર ઓનર્સ’ના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રથમવાર કોઈને આ સન્માન મળ્યું છે.
ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડીપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના સહયોગથી નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) દ્વારા આ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહનું આયોજન બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે અહીં ભારતીય વિદ્યાર્થીઓની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને તેની ઉજવણી કરવામાં આવી હતી.
અહીં નોંધનીય છે કે, 15 વર્ષ અગાઉ પરિણિતી ચોપરા યુકેમાં માન્ચેસ્ટર સ્કૂલની વિદ્યાર્થિની હતી અને રાઘવ ચઢ્ઢાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. પરિણિતી અને રાઘવ બંને અભ્યાસમાં હોશિયાર હતા અને તેમના ક્લાસમાં ટોપર્સ પણ હતા. પરિણીતી સિંગલ છે અને રાઘવે પણ 34 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા નથી. હવે જોવાની વાત એ છે કે શું બંને વચ્ચે ખરેખર કંઈક રંધાઈ રહ્યું છે અને જો એવું હોય તો તેઓ બોલીવૂડ અને રાજકારણમાં એકદમ ઈન્ટરેસ્ટિંગ કપલ સાબિત થશે.