(istockphoto.com)

ભારતીય મૂળના હેલ્થ એક્સપર્ટ અનિલ સોનીની WHO ફાઉન્ડેશનના CEO તરીકે નિમણૂક કરાઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ વિશ્વમાં આરોગ્યના મોરચે લડવા માટે આ નવા ફાઉન્ડેશનની રચના કરી છે અને અનિલ સોની તેના પ્રથમ CEO બન્યા છે. અનિલ સોની પહેલી જાન્યુઆરીથી તેમનો પદભાર સંભાળશે.

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે તેમનું મુખ્ય ફોકસ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ અને તેનો સામાન્ય લોકોને લાભ પહોંચાડવા પર રહેશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મે 2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશનની શરૂઆત કોરોના સંકટ વચ્ચે કરી હતી. અત્યાર સુધી અનિલ સોની ગ્લોબલ હેલ્થકેર કંપની વિયાટ્રિસની સાથે હતા, જ્યાં તેઓ ગ્લોબલ ઇન્ફેકશન ડિસીસના વડા તરીકે કાર્યરત હતા.

WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસે અનિલ સોનીની પ્રશંસા કરી છે અને આરોગ્યના ક્ષેત્રમાં ઉકેલ લાવવા માટે નવા પ્રકારના પ્રયોગ કરનાર બતાવ્યા છે. તેમણે કહ્યું કે આજે દુનિયા મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે, આવી સ્થિતિમાં તેમની નવી વિચારસરણી આપણને આવા સમયમાં લડવાની તક આપશે.
અનિલ સોની અગાઉ ક્લિન્ટન હેલ્થ એક્સેસમાં પણ કામ કરી ચૂક્યા છે, જ્યાં તેઓ 2005 થી 2010 સુધી રહ્યા હતા. આ સિવાય તેઓ તે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના આરોગ્ય વિભાગમાં કાર્યભાર સંભાળ્યો હતો. અનિલ સોનીએ પણ HIVની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.