યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં મેટ ગાલા ઈવેન્ટમાં ભારતીય સાડી પહેરીને લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. આલિયા બીજીવાર આ પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં હાજર રહી હતી અને પોતાની સ્ટાઈલ અને પર્સનાલિટીથી દરેકને પ્રભાવિત કર્યા હતા. વૈશ્વિક ક્ષેત્રે પોતાની ઓળખ બનાવવામાં ઐશ્વર્યા રાય બચ્ચનની મોટી ભૂમિકા હોવાનું સ્વીકારતા આલિયાએ તેમને પોતાના આદર્શ તરીકે સ્વીકાર્યા હતા.
આલિયાએ ઈન્ડિયન અને ઈન્ટરનેશનલ પર્સનાલિટી તરીકે આગવી ઓળખ મેળવી છે. આ તબક્કા સુધી પહોંચવા આલિયાએ અનેક ગ્લોબલ સેલિબ્રિટીઝ પાસેથી પ્રેરણા લીધી હતી. ભારતમાં કોઈ ગ્લોબલ સ્ટેજ પર જવાનું વિચારતું ન હતું, ત્યારે ઐશ્વર્યા રાયે સમગ્ર વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમની આ સિદ્ધિએ જ આગળ વધવા પ્રેરણા આપી હતી.
બોલિવૂડ સ્ટાર્સમાં આલિયાને કરીના કપૂર ખાન આઈકોનિક લાગે છે. હૃદયના ઊંડાણમાંથી અને ભાવ સાથે દમદાર ગીતો આપનારી શ્રેયા ઘોષાલનો પણ આલિયાએ ઉલ્લેખ કર્યો હતો. કારકિર્દીના આવનારા વર્ષોમાં પોતાની સર્જનાત્મક મર્યાદા વધારવાની અને દર્શકોને વધારે ગહન સાથે સાંકળવાની આલિયાની ઈચ્છા છે. ફિલ્મોમાં પોતાની ભૂમિકા દ્વારા માત્ર મનોરંજન આપવાનો નહીં, પરંતુ પરિવર્તનના માધ્યમ બનવાની આલિયાની ઈચ્છા છે.