વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કહ્યું હતુ કે અત્યારે તો એશિયાની સ્થિતિ યુરોપ-અમેરિકા કરતાં સારી છે. પરંતુ એશિયામાં ફેલાવો વધવાની શક્યતા રહેલી છે. આગામી દિવસોમાં જો કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થશે તો એશિયાની સ્થિતિ બધારે બદતર થઈ શકે છે. માટે એશિયાના દેશોને શક્ય એટલાં ઝડપથી પગલાં લેવા ઑર્ગેનાઈઝેશનના અધિકારીએ ભલામણ કરી હતી. અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે આ લડાઈ લાંબી ચાલાની શક્યતા છે.
અમેરિકામાં કોરોનાના કેસ પોણા બે લાખે પહોંચ્યા છે અને સૌથી ખરાબ સ્થિત મેટ્રોપોલિટન સિટી ન્યુયોર્કની છે. અહીંના ગુજરાતી ડૉક્ટર શામિત પટેલે કહ્યું હતુ કે ન્યુયોર્કની સ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં હોસ્પિટલોમાં જગ્યા નહીં મળે. અત્યારે તો હજુ ન્યુયોર્કની બધી હોસ્પિટલો નથી ભરાઈ પરંતુ દરદી સતત વધતા રહેશે તો હોસ્પિટલો પણ પથારીની અછત અનુભવશે.
એટલુ જ નહીં એ સમયે આરોગ્ય સુવિધાઓ, વિવિધ મેડિકલ સાધન-સામગ્રીની પણ અછત સર્જાશે. અત્યારે જ જગતમાં કોરોના સામે લડવા વેન્ટિલેટર, ટેસ્ટિંગ કિટ, માસ્ક વગેરેની અછત વર્તાઈ રહી છે. કોરોના સામે લડવા ન્યુયોર્કના કાંઠે અમેરિકન નૌકાદળનું ૧૦૦૦ બેડ ધરાવતું મેડિકલ જહાજ તૈયાર રખાયું છે.
ટ્રમ્પે કહ્યું હતુ કે આગામી ૩૦ દિવસ લડત માટે મહત્ત્વના છે. ૩૦મી એપ્રિલ સુધી લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે એવી અપીલ પણ અમેરિકી પ્રમુખે કરી હતી. કોરોનાથી સુરક્ષીત રહેવા ડઝનબંધ દેશોએ લૉકડાઉનની પોલિસી અપનાવી છે. પરિણામે દુનિયાની લગભગ અડધી વસતી એટલે કે ૩.૬ અબજ લોકો પોતાના ઘરોમાં કેદ છે.
આ તરફ ઇટાલીમાં સાડા અગિયાર હજારથી વધારે મોત થયા છે. એ મૃતકોને અંત સમયે તેમના પરિવારજનોનુ મોઢું પણ જોવા મળ્યું નથી. એમના માનમાં ઈટાલીમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો. સાથે સાથે બે મિનિટનું રાષ્ટ્રવ્યાપી મૌન પાળવામાં આવ્યું હતું. એ તકે કોરોના સામે લડત આપી રહેલા હેલ્થ વર્કરોને પણ માન અપાયું હતું.
સ્પેનમાં મૃત્યુ આંક એક જ દિવસમાં ૮૪૯ નોંધાયો હતો. સ્પેનમાં કેસ ૯૫ હજાર જ્યારે મૃત્યુ સંખ્યા આઠ હજારથી વધુ થઈ છે. વાઈરસનો વ્યાપ જોઈને દુનિયાના ઘણા દેશોએ લૉકડાઉનની નીતિ અપનાવી હતી. ઑસ્ટ્રેલિયાએ પણ આજે લૉકડાઉનની જાહેરાત કરી હતી. ન્યુયોર્કમાં ૯ હજારથી વધુ કેસ નોંધાયા છે અને દોઢ હજારથી વધારે મોત થયા છે. ન્યુયોર્કના ગવર્નરના ભાઈને પણ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.