કોરોના મહામારીથી વિશ્વમાં થયેલા કુલ મોત અંગેના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અહેવાલ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને ભારત આ અહેવાલ જારી થવા દેતું નથી, એવો ન્યૂ યોર્ક ટાઇમ્સે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે. કોરોના મોતનો અંદાજ કાઢવાની WHOની મેથડને ભારતે ક્ષતિપૂર્ણ ગણાવી છે.
અમેરિકાના વર્તમાનપત્રના દાવા અનુસાર ભારતમાં કોરોના મોતનો આંકડો સરકારના સત્તાવાર આંકડા કરતાં ઘણો મોટો છે. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર ભારત સરકારે જણાવ્યું છે કે ભારતમાં કોરોના મોતનો અંદાજ કાઢવાની વિશ્વ આરોગ્ય સંસ્થાની મેથડ ક્ષતિપૂર્ણ છે. ભારત માને છે કે આ પ્રક્રિયા સહયોગપૂર્ણ નથી. તે પૂરતું પ્રતિનિધિત્વ પણ ધરાવતી નથી. ભારતે ફેબ્રુઆરીમાં યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટીકલ કમિશનને એક નિવેદનમાં આવું કહ્યું હોવાનો આ વર્તમાનપત્રમાં દાવો કરવામાં આવ્યો છે.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારીથી વિશ્વમાં 2021ના અંત સુધીમાં આશરે 1.5 કરોડ લોકોના મોત થયો હોવાનો અંદાજ છે. આ આંકડો દરેક દેશે જાહેર કરેલા સત્તાવાર મૃત્યુઆંક કરતાં બમણા કરતાં વધુ છે. વિશ્વમાં કોરોના મોતનો સત્તાવાર આંકડો 60 લાખ છે. આમ સત્તાવાર આંકડો કરતાં 90 લાખ વધુ લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. આમાંથી ત્રીજા ભાગના એટલે કે 40 લાખ લોકોના મોત ભારતમાં થયા હોવાનો અંદાજ છે. આની સામે ભારત સરકારનો સત્તાવાર મૃત્યુઆંક આશરે 5.20 લાખ છે.
જોકે WHOના આ અંદાજને જાહેર કરવામાં આવ્યો નથી, કારણ કે ભારત તેનો જોરદાર વિરોધ કરી રહ્યું છે. ભારતમાં કેટલા મોત થયા હતા તેની ગણતરી સામે ભારતને વાંધો છે. તેથી ભારત આ આંકડો જાહેર થવા દેતું નથી, કારણ WHOના અંદાજ મુજબ વિશ્વમાં ભારતનો મૃત્યુઆંક સૌથી ઊંચો છે. ન્યૂયોર્ક ટાઇમ્સે બીજા દેશો માટેના અંદાજની માહિતી જાહેર કરી નથી.